LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

સુખનું કિરણ...


‘પપ્પા, મારી સાથે એક છોકરી બેંકમાં કામ કરે છે અને મને એ ગમે છે. આપણી જ્ઞાતિની જ છે. એનું નામ છે પૂજા.’ છેલ્લા કેટલાક વખતથી લલિતભાઈ પૂછતાં હતાં તે વાતનો જવાબ સમીરે છેલ્લે આપી દીધો. લલિતભાઇને એમ હતું જ કે સમીરને કોઇ છોકરી પસંદ હશે પરંતુ જ્યારે તેમણે ખરેખર સમીરના મોંએ આ વાત સાંભળી ત્યારે તેઓ થોડાક બેચેન થઈ ગયા. કેમ કે જે વાતનો આપણને ડર હોય એ વાત હકીકતમાં બને ત્યારે આપણને થોડીક તકલીફ તો થાય છે.

સમીર લલિતભાઈનો એકનો એક દીકરો. સરકારી કચેરીમાં લલિતભાઈ મોટી પોસ્ટ પર હતા. પૈસાની કોઈ કમી નહોતી. મોટી દીકરીને પરણાવી દીધી હતી એટલે એની કોઇ ચિંતા ન હતી. હવે એક માત્ર સમીર માટે કેટલાય સમયથી ઘણી જગ્યાએ વાત ચાલતી હતી. સમીર એમ.બી.એ. થઇને પ્રાઇવેટ બેંકમાં સારી પોસ્ટ પર હતો. આમ તો, છોકરીઓની લાઇન લાગે એમ હતું અને સમીર જોવા પણ જતો પરંતુ એનો જવાબ હંમેશા ના જ રહેતો એટલે લલિતભાઇને થયું કે કદાચ સમીરને કોઇ છોકરી ગમતી હોય તો ભલે એની પસંદગી પ્રમાણે એ લગ્ન કરે. તેમને એનો કોઇ વાંધો ન હતો પરંતુ જ્યારે સમીરે કહ્યું કે એ છોકરી તેની સાથે બેંકમાં કામ કરે છે એટલે લલિતભાઇની ચિંતામાં અનેકગણો વધારો થઇ ગયો કેમકે એ સમીરને જાણતાં હતાં કે તે તેની પસંદગીના પાત્ર સાથે લગ્ન તો કરશે જ પરંતુ આવનાર વહુની નોકરી પણ ચાલુ રખાવશે. ઘરની જરૂરિયાત પ્રમાણે જો નોકરી કરતી છોકરીને લાવશે તો વળી પાછું એનું એ જ થશે. લલિતભાઈનાં પત્ની સરોજબહેન પતિની સર્વિસમાં થતી બદલીઓને કારણે ઘણા સમયથી એકલા હતાં અને હવે જ્યારે નિવૃત્ત થવામાં પાંચ-છ વર્ષ બાકી હતાં ત્યારે પણ જો વહુ નોકરી કરતી હોય તો સરોજબેનને વહુના સંગાથની જે વરસોની ઈચ્છા અને જરૂરિયાત હતી એ પૂરી થઈ શકે તેમ નહોતું. સરોજબેનને તો એક સરસ મજાની વાતોડિયણ વહુ જોઇતી હતી. કે જેની સાથે તેઓ આખો દિવસ વાતો કરી શકે, સિરિયલો જોઇ શકે અને બન્ને સાસુ-વહુ ભેગાં મળીને સારું સારું જમવાનું બનાવી શકે….

પરંતુ ભગવાન બધું સારું અને આપણી અપેક્ષા મુજબનું જ આપે તો તો શું જોઇતું હતું ? ક્યાંક તો જીવનમાં એવા વળાંક આવે છે ને કે જ્યાંથી આપણે આપણી જાતનું પુન:મુલ્યાંકન કરવું પડે. લલિતભાઇ અને સરોજબેન આ બધું સમજતા હતા એટલે લલિતભાઇએ નવા મોટા મકાનનું કામ ચાલુ હતું તેનું કામ વધારે ઝડપથી આગળ વધાર્યું અને બીજી તરફ સમીર અને પૂજાની સગાઇ કરાવી દીધી. ત્રણ-ચાર મહિના વીત્યા બાદ બંનેને રજાની અનુકૂળતા થતાં ધામધૂમથી લગ્ન પણ કરાવી દીધા. સિમલામાં મધુરજનીના દિવસો માણી સમીર અને પૂજા ઘરે પરત ફર્યા.

ઘરે આવ્યા બાદ પૂજાએ તરત સમીરને કહ્યું :

‘હું મારી રજા હજુ એક અઠવાડીયા માટે લંબાવી દઉં છું.’

‘કેમ ?’ સમીરને આશ્ચર્ય થયું કેમકે પૂજા કામ પ્રત્યે એકદમ સિન્સિયર હતી અને બને ત્યાં સુધી ઑફિસમાંથી રજા લેવી એને ગમતી ન હતી. લગ્ન પહેલા પણ બન્ને મળતાં ત્યારે ઑફિસનો સમય પૂરો થયા બાદ જ મળતા. ક્યારેય બહાર જવા માટે બેંકમાંથી રજા લીધી હોય એવું બન્યું ન હતું.

‘જો ને મમ્મીને પગ બહુ દુ:ખે છે અને પપ્પા દરરોજ સવાર-સાંજ એક-એક કલાક કસરત કરવા માટે તેમને ફિઝિયોથેરાપિસ્ટ પાસે લઇ જાય છે. વળી, પપ્પાને ઓફિસમાં પણ કેટલું કામ રહે છે એટલે થોડો સમય પપ્પાને બદલે હું મમ્મીને લઈ જાઉં તો ?’ પૂજા બોલી.

‘ઠીક છે. તો તું મમ્મીને ગાડીમાં જ લઇ જજે. હું ઑફિસ બાઇક લઇને જઇશ. આમ પણ વરસાદ જેવું છે એટલે મમ્મી-પપ્પા રીક્ષામાં જાય છે.’ સમીરને આ વાત ગમી. તેને પણ અંદરથી થતું હતું કે પોતે મમ્મી સાથે દવાખાને જાય કેમકે પપ્પાને હજુ ટ્રાફિકમાં કાર લઈ જવાની ફાવટ ન હતી. પોતે મમ્મી સાથે જાય તો મમ્મીને પણ ગમે પરંતુ એને બેંકમાંથી રજા મળે એમ નહોતું. આવી પરિસ્થિતિમાં પૂજાએ સામેથી આ વાત કરી એટલે સમીરને જાણે માથેથી એક ભાર ઊતરી ગયો હોય એવું લાગ્યું.

બીજા દિવસથી પૂજા એના સાસુને ગાડીમાં લઇને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવા માંડી. એણે જોયું કે એના સાસુની આંખમાં જે ખુશી અને ચમક હતી તે એણે પહેલા ક્યારેય જોઇ ન હતી. એનાં સાસુ તેની સાથે નાની-નાની વાતમાં હસતાં, ખુશ થઇ જતાં. જ્યારે લલિતભાઇ કસરત કરવા તેમને લઈ જતા ત્યારે જાણે દવાખાનાના કામે નીકળ્યા હોય એવું લાગતું, પરંતુ હવે પોતાની વહુ સ્પેશ્યલ અઠવાડીયાની રજા લઈને બન્ને ટાઇમ ગાડીમાં પોતાને લઇ જાય છે એ વાત તેમને આત્મીયતાનો અનુભવ કરાવતી. તેઓ ફિઝિયોથેરાપિસ્ટને પણ કહેતા કે હવે તો મારે વહુ આવી ગઇ છે એટલે નિરાંત છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી આવ્યા પછી એ પૂજાને ઘરની નાની-નાની વાતોની સમજ આપતા. દરેક વસ્તુ પ્રેમથી શીખવતા. ઘરના દરેક સભ્યની પસંદ-નાપસંદનો ખ્યાલ આપતા. તે સાથે-સાથે પૂજાને શું ભાવે છે, શું ગમે છે એ પૂછી લેતાં અને તેને ભાવતું પણ બનાવતા. પૂજાને પિયરમાં તો સારું હતું જ, પરંતુ અહીં ધીમે ધીમે તેને સાસુ-સસરા પ્રત્યે પોતાના માતા-પિતા જેવી લાગણી બંધાવા લાગી. તે બધાનો જેટલો ખ્યાલ રાખતી, એટલા જ પ્રેમથી સૌ તેનો ખ્યાલ કરતા.

જોતજોતામાં અઠવાડિયું પસાર થઈ ગયું. હવે પૂજાને રજા મળે એમ નહોતું. સોમવારથી તો ઓફિસ જવું પડે તેવી હાલત હતી. સવારે સરોજબેનને પૂજાને એકદમ રોયલ નાસ્તો કરાવ્યો. સાથે સાથે પૂજાને પુછી લીધું કે તે બપોરે કેટલા વાગે સમીર સાથે જમવા આવશે એટલે ગરમ જમવાનું રાખી શકાય. સાંજે પણ સરોજબેને એની પસંદનું સરસ મજાનું જમવાનું બનાવ્યું. આ તરફ, અઠવાડીયાની રજાને લીધે પૂજાને બેંકમાં બહુ મજા આવતી ન હોય એવું લાગવા માંડ્યું. પહેલા તો એ બેંકમાં પોતાના ટેબલ પર બેસતી એટલે જાણે બેંકમય બની જતી પરંતુ હવે કામ કરતાં કરતાં તેને ઘરના વિચાર આવવા લાગ્યા. તેને થયું કે : મમ્મી (સરોજબેન) અત્યારે આમ કરતા હશે….. સુતા હશે…. આ કામ કરતા હશે…. તે વિચાર કર્યા કરતી. ઘણીવાર સરોજબેન નવરાશના સમયમાં આજુબાજુના બાળકોને ઘરે રમાડવા બોલાવતા અને તેમની સાથે વાતો કરતા. તેમને નાસ્તો કરાવતા, તેમની સાથે બેસી કાર્ટુન જોતાં. કોઈકવાર પૂજાની નણંદની પાંચ વર્ષની દીકરી રીયા સાથે ફોનમાં લાંબી-લાંબી વાતો કરતા. આથી, ઑફિસમાં કામ કરતાં કરતાં પૂજાને થતું કે મમ્મી અત્યારે બાળકો જોડે રમતા હશે…. કોની સાથે મસ્તી કરતા હશે ? રીયાનો ફોન આવ્યો હશે ?….. ઑફિસના કામની વચ્ચે પૂજાને ઘરની યાદ આવવા લાગી. સગાઈથી અત્યાર સુધી પસાર કરેલી આનંદમય પળો આગળ આ રોજનું ઑફિસવર્ક એને કંટાળાજનક લાગવા માંડ્યું.

એકવાર એના સસરાએ પૂજાને બોલાવીને કહ્યું કે, ‘બેટા, હવે નવા મકાનમાં જે કંઈ પણ ફેરફાર કરાવવાના છે એનો તમામ નિર્ણય તારે અને સમીરે સાથે મળીને લેવાનો છે. માટે તમે બંને દરરોજ નવા મકાનમાં જઈને બધું જુઓ અને તમારી સગવડ પ્રમાણે તેને શણગારો. આર્કિટેક્ટ સાથે મિટિંગ કરો અને જે તમને પસંદ પડે એ પ્રમાણે બનાવો.’ એ પછી તો પૂરા મકાનનું ફર્નિચર વગેરે પૂજાની પસંદગી પ્રમાણે થયું. ઘરમાં ગાર્ડન બનાવવાનો પ્રોગ્રામ નહોતો પરંતુ પૂજાની ઇચ્છા હતી એટલે પાર્કીંગની જગ્યા નાની કરી ગાર્ડન બનાવવામાં આવ્યો. છેક સગાઇથી માંડી ચુંદડી, લગ્ન, રિસેપ્શન, હનીમૂન….વગેરે દરેક પ્રસંગ માટે જે કંઈ પણ કપડાં, સોનું, દાગીના ખરીદવાનું થતું તે દરેકમાં પૂજાની પસંદગીને અગ્રિમતા અપાતી. ક્યારેક તેને એમ લાગતું પણ ખરું કે પોતે ભલે એમ.બી.એ. ભણેલી છે પરંતુ દરેક બાબતની પોતાને ખબર ન હોવા છતાં એનો અભિપ્રાય જરૂરથી લેવાતો. લગ્ન પછીના થોડા દિવસોમાં એણે જોયું કે એની પર ઑફિસના કામ સિવાય ઘરની કોઇ જવાબદારી નાખવામાં આવી ન હતી. પૂજા બપોરે જમવા આવતી ત્યારે ઘણી વખત વહેલું-મોડું થઇ જાય ત્યારે સરોજબેન ગરમ રોટલી બનાવી તૈયાર રાખતા. પૂજા કહેતી કે આજે મોડું થઇ ગયું છે ત્યારે સરોજબેન હસીને તરત કહેતા કે ‘સમીરને કેમ ખુલાસા નથી કરવા પડતા કે આમ હતું…એટલે મોડું થઇ ગયું કે આમ જવાનું હતું… એટલે મોડું થઇ ગયું ? એમ તારે પણ કહેવાની જરૂર નથી. સમીરને જે વાત લાગુ પડે એમ તને ન પડે ?’ – આમ, દરેક બાબતમાં સરોજબેનનું વર્તન એકદમ સહજ રહેતું. ક્યારેય કોઇ મહેમાન આવે તો પૂજા સાથે સહજ રીતે જ વાત કરતા અને ક્યારેય એવું ન લાગવા દેતાં કે આ બધું કામ મારે કરવું પડે છે.

જેમ જેમ દિવસો પસાર થતાં ગયાં એમ પૂજાને લાગવા માંડ્યું કે એના સાસુને ઘરની બહાર જવું હોય ત્યારે સમીર-પૂજા તથા લલિતભાઇનો ઑફિસેથી આવવા-જવાનો ટાઇમ, ચા-પાણી-નાસ્તા તથા જમવા વગેરેના સમયની અનુકૂળતા જોઇને જ જતા. જ્યારે પોતાને અને સમીરને ક્યારેય ફરવા જવું હોય, બહાર જમવા જવું હોય, કોઇ આવવાનું હોય અથવા ઘરમાં રહેવાની જરૂરિયાત હોય, છતાં પણ તેઓ બહાર જવાની રજા તરત જ આપતાં. પોતાનો પગાર આવ્યો ત્યારે પૂજાના સસરાએ જ કહ્યું કે ‘તમારી મહેનતના પૈસા છે એટલે તમને જેમ યોગ્ય લાગે તેમ તમારા નામે મૂકી દેજો જેથી ભવિષ્યમાં તમને કામ આવે.’ આમ, દર મહિને જે પગાર આવતો એ તો સીધો બેંકમાં જમા થતો હતો.

આખરે એક સાંજે સરોજબેન નાનકડી રીયા સાથે વાત કરતા હતાં ત્યારે પૂજા બાજુમાં જ ઊભી હતી એટલે થોડીક વાતો તેના કાન પર પડી :

‘હેં નાની, તમને ખબર છે હું ક્યાંથી આવી છું ?’

‘હા, બેટા, તું ભગવાનના ઘરેથી આવી છો.’ સરોજબેને હસતાં હસતાં કહ્યું.

‘તો નાની તમને ખબર નથી. મારા દાદીએ કીધું કે હું તો છે ને મારા મમ્મીના પેટમાંથી આવી છું.’

‘સાચી વાત છે દાદીની બેટા. બધા પોતાની મમ્મીના પેટમાંથી જ આવે છે.’ સરોજબેને જવાબ આપ્યો.

‘તો નાની, મારા પેટમાંથી નાનકડું બેબી ક્યારે આવશે ? હું મમ્મી ક્યારે બનીશ ?’ નાનકડી રીયાનો પ્રશ્ન સાંભળી સરોજબેન કામ કરતાં કરતાં અટકી ગયા અને શું જવાબ આપવો એ વિશે વિચાર કરવા માંડ્યા.

એટલામાં પૂજા હસતાં-હસતાં બોલી, ‘મમ્મી, એને કહોને કે તારા લગ્ન થશે એટલે તને નાનું બેબી આવશે અને તું પણ મમ્મી બની જઇશ !’

સરોજબેને રીયાને આમ કહ્યું એટલે તરત જ રીયાએ ફરીથી પૂછ્યું : ‘તો નાની…, પૂજામામીનાં તો હમણાં લગ્ન થઇ ગયાં છે ને ? તો એને બેબી ક્યારે આવશે ?’ હવે ચોંકાવાનો વારો પૂજાનો હતો. પૂજા હજુ બધું સાંભળતી જ હતી. સરોજબેન સમજી ગયા એટલે કાંઇ બોલ્યા નહીં અને ફોન મૂકી દીધો. થોડીવાર પૂરતું વાતાવરણ ગંભીર થઇ ગયું અને પૂજા ગહન વિચારમાં જાણે પડી ગઈ.

બીજા દિવસે સવારે પૂજા રોજ કરતાં થોડી વહેલી ઊઠી ગઈ અને સરસ મજાની સાડી પહેરી પોતાના રૂમથી નીચે ઊતરી. પાછળ સમીર પણ તૈયાર જ હતો. બંન્નેના મોઢા પર સહેજ ઉજાગરો દેખાતો હતો. જાણે મોટી મથામણ પછી કોઈ નિર્ણય પર આવ્યા હોય અને કંઈક કહેવા માંગતા હોય એમ બંન્નેના ચહેરા વંચાતા હતાં.

‘મમ્મી-પપ્પા, અમારે કાંઇક કહેવું છે… ’

‘શું થયું બેટા ? તમે બન્ને કેમ ટેન્શનમાં દેખાવ છો ? બધું બરોબર તો છે ને ? આરામથી બેસીને જે કહેવું હોય તે નિ:સંકોચ કહો.’ લલિતભાઇએ સ્વાભાવિક રીતે કહ્યું.

‘બેટા પૂજા, રોજ તો તું ડ્રેસ પહેરીને ઓફિસ જાય છે, આજે કેમ સાડી પહેરી છે ? કેમ બંન્ને આટલા વહેલા તૈયાર થઇ ગયા છો ? પણ પૂજા જે હોય તે. આ સાડી તને બહુ સરસ લાગે છે હો કે….’ સરોજબેનથી મલકી જવાયું.

પૂજાએ સમીર સામે જોયું અને પછી થોડા ધીમા અવાજે બોલી : ‘મારે સર્વિસ છોડી દેવી છે. પરંતુ જો આપ બંન્ને રજા આપો તો..’

‘અરે, એકદમ કેમ ? ઑફિસમાં કાંઇ તકલીફ છે ? ફાવતું નથી કે કંઇ થયું છે ? શું વાત છે સમીર ? પૂજા આ શું કહે છે ?’ લલિતભાઇ અને સરોજબેન બન્ને એક સાથે બોલી ઉઠ્યા. સમીર હજુ ચૂપ જ હતો અને પૂજા સામે જોતો હતો.

‘મમ્મી-પપ્પા, સાસરે આવ્યા પછી તમારાં બંન્ને પાસેથી હું શીખી છું કે વહુ એટલે શું અને દીકરો એટલે શું. આપે આટલાં સમયમાં મારું જેટલું રાખ્યું છે એટલું તો મારા પોતાના મમ્મી-પપ્પા પણ ન રાખી શકે. માણસાઇનો, સંસ્કારનો અને સંબંધનો એક નવો જ અર્થ આપે મને સમજાવ્યો છે. આપ તો સાસુ-સસરા તરીકે સો ટકા ઉત્તિર્ણ થાવ છો પરંતુ એક વહુ તરીકે હું મારૂં મૂલ્યાંકન કરવા બેસું તો મેં મારા આટલાં વરસોની કેરિયરમાં જે માર્કસ મેળવ્યા છે એનાં કરતાં અનેકગણા ઓછા માર્કસ મળે. તેનું એક માત્ર કારણ મારી નોકરી છે.

આજ સુધી હું એવું સમજતી આવી છું અને મને શીખવાડવામાં આવ્યું છે કે દરેકે પોતાના પગ પર ઊભું રહેવું જોઇએ. કોઈ પર આધારિત ન રહેવું જોઇએ પરંતુ મને ખબર નહોતી કે સ્ત્રીને બહાર કામ કરવાની જરૂરિયાત હોય એનાં કરતાં અનેકગણી જરૂરિયાત એની એના ઘરમાં પણ હોય છે. વળી, જ્યારે પૈસા કમાવવાની જરૂરિયાત ન હોય ત્યારે જો હું આ પરતંત્રતા ન સ્વીકારું તો હું આપના પ્રેમથી વંચિત જ રહી જાઉં એમ મને લાગે છે. આપ બંન્નેનો પ્રેમ હું પાર્ટ-ટાઇમ નહીં, ફૂલ ટાઇમ – ચોવીસેય કલાક મેળવવા માગું છું. અત્યાર સુધી આપે મને શું ગમે છે, ભાવે છે, હું શું વિચારું છું એ હંમેશાં જોયું છે. મારી જ જરૂરિયાતો જોઇ છે. હવે મારે જોવું છે કે પપ્પાને કેવી ચા ભાવે છે ? એમને નાસ્તામાં શું પસંદ છે, શેનું શાક ભાવે છે ? મમ્મીને શું ગમે છે ?….. આપ બંન્ને એ અત્યાર સુધી બધાની ઇચ્છાઓ પૂરી કરી છે. હવે મારે આપ બંન્નેની ઈચ્છાઓ પૂરી કરવી છે. હું જે નિર્ણય લઉં છું એમાં સમીરની પણ સંમતિ છે. વિગતવાર ચર્ચા કર્યા પછી હું સમજી વિચારીને આ નિર્ણય લઈ રહી છું પરંતુ આપ બંન્ને જો રાજીખુશીથી રજા આપો તો હું અમલમાં મૂકી તે પ્રમાણે જીવનની દિશા બદલી શકું. આજથી મારે આપના નિર્ણયોને અનુસરવું છે અને એટલે જ આજે આ સાડી પહેરીને મંદિરે દર્શન કરવા જઈ નવા દિવસની શરૂઆત કરવી છે.’ પૂજાને લાગ્યું કે તે પોતાના અંતરાત્માનો અવાજ વ્યક્ત કરી રહી છે.

લલિતભાઇ અને સરોજબેન કંઈ બોલી ન શક્યા. બધાની આંખોના ખૂણા ભીનાં થઈ ગયાં. સરોજબેન પૂજાને અને લલિતભાઇ પુત્ર સમીરને ખુશીથી ભેટી પડ્યાં. કોઈ હવે આગળ એક પણ શબ્દ બોલી શકે એવી સ્થિતિમાં નહોતું. દીવાનખંડની બારીમાંથી આવતા સૂર્યનાં કિરણ દરેકની આંખના આંસુમાં એક-એક નાનકડું મેઘધનુષ રચતા હતા અને જાણે એમ સુચવતાં હતાં કે આ ઘરમાં આવનાર દરેક કિરણો વધુને વધુ સુખ તથા સંતોષ લઇને આવશે.

No comments: