LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Wednesday, August 1, 2012

સુખી થવાની ચાવી....(લેખ)


“તમે સુખી છો”?......
નહીં ....?
“તો તમે દુખી છો”?
જવાબ મળે છે ..“સાવ એવું પણ નથી”
“તો પછી તમે અસમંજસમાં છો કે તમે સુખી છો કે દુઃખી”?
સુખ શું છે............ખૂબ મોટા ઘરમાં સુખસાહ્યબીમાં રહેવું, નોકરચાકરો હોવા, ગાડી-વિમાનમાં ફરવું, શાકમંડીમાં જતા હોઈએ તેમ ફોરેન ઉડાઉડ કરવી......કે પછી સંયુક્ત પરિવારમાં રહેવું કે પછી એકલા નાના વિભક્ત પરિવારમાં રહેવું....??
એ વિચારો, કે સુખ તમને ક્યા
રે લાગે છે અથવા શેમાંથી મળે છે ? પોતાની જાત સાથે વાર્તાલાપ સાધો કે મારી પાસે શું હશે અથવા કેવું હશે તો હું મારી જાતને સુખી માનીશ. ધ્યાનથી વિચારો.......સુખ એટલે તમને જે ગમે છે, જે જોઇએ છે એ મળે એ ક્ષણની અનુભૂતિ જ છે ને? બાકી તો મહેલમાં મહાલાનારાઓનો અને ગાડી - વિમાનમાં ફરનારાઓનો ક્યાં તોટો છે, પણ એ લોકો પણ તો પોતાને સમ્પૂર્ણ સુખી માનતા નથી.
તો એનો અર્થ એમ થયો કે સુખ કેવળ ધન કે કોઈ વસ્તુઓમાં નથી, પણ એ વસ્તુઓથી મળતી અનુભૂતિમાં છે. ગમતું મળે કે થાય તો સુખ અને ના મળે તો તો દુઃખ...........કેવળ એક અનુભવ ...........
આપણે આપણી જાતને સુખી નથી માનતા એનો અર્થ એવો કે આપણને ગમતું કઈ ખાસ બનતું નથી. અથવા એમ કહી શકાય કે ઘણું બધું ન ગમતું બને છે કે ઘણુંય બધું પરાણે કરવું પડે છે. તો આ ગમવું કે ન ગમવું એ તો મનની જ સ્થિતિ થઇ. તો સુખી થવું હોય તો આ મનની સ્થિતિને બદલવી પડે .તો હવે આ સ્થિતિ કેવી રીતે બદલી શકાય? મન જ જયારે ન માનતું હોય તો પછી સુખને શોધવું કઈ રીતે? એ તો આપણે મહેલમાં રહીશું ત્યારે પણ જો કઈ અણગમતું બનશે તો સુખી નહી થવા દે.
તો હવે શું કરવું ..................??
પ્રશ્ન આપણા સ્વયંના મનનો છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ જે આપણી સાથે હોય કે ન હોય એનો નથી. ફૂટપાથ પર પણ માનવીને નસ્કોરાં બોલાવીને સૂતાં જોયા છે અને રૂ ની તળાઈઓમાં પણ ઊંઘના અભાવે માણસોને આળોટતાં જોયા છે ખરું .....? તો સુખ એ વસ્તુઓનો નહી પણ અનુભૂતિનો વિષય થયો એ તો નક્કી ........
તો હવે આ મનનું શું કરવું .....મન હૈ કે માનતા નહી ....
ચાલો વિચારીએ.......આ વાત ગમા-અણગમાની છે, જોઈતા-વણજોઈતાની છે. તો કામ તો આ વિષય પર કરવું પડશે.
વિચારો, શા માટે આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમે છે કે નથી ગમતી...........જોઈએ છે કે નથી જોઈતી. આપણા મનનું એક conditioning હોય છે પહેલેથી, નાનપણથી , જન્મથી જ ....તરતનું જન્મેલું બાળક જેમ જેમ મોટું થાય એટલે આપણને એના ગમા-અણગમા સમજાવવા માંડે છે. જેમ જેમ મોટું થાય તેમ તેમ એના સંજોગો, વાતાવરણને પ્રમાણે એ ઘડાતું જાય અને સાથે સાથે એના ગમા-અણગમા પણ . ત્યાર પછી આખી જીન્દગી એનું મન આ અને આવા માપદંડથી સ્વીકાર-અસ્વીકાર કરતું રહે છે. બસ આ ઘટમાળ ચાલતી જ રહે છે. આ માપદંડની પૃષ્ટભૂમિ પરથી એનું મન અભિવ્યક્ત થાય છે અને દરેક ઘટનાનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. કદાચ ઘટનાને બદલી ન શકે પણ અણગમો તો જરૂર થાય છે જે દુઃખનો અનુભવ કરાવે છે.
તો માર્ગ એ જ કે આ માપદંડોથી ઉપર ઉઠીને સત્ય હકીકતને સમજવાનો અને એને પચાવવાનો પ્રયત્ન કરવો. સત્ય હકીકત એ છે કે બ્રહ્માંડ દ્વન્દ્વો થી ભરેલું છે. નર-નારી, જીવન-મૃત્યુ, ખાટ્ટી-મીટ્ઠી, ઠંડું-ગરમ, સુખ-દુઃખ વગેરે.....યાદી અનંત છે. દરેક વસ્તુની જોડી છે. એટલે એકની સાથે બીજું છે જ. એટલે આપણે ફક્ત એક જ ગમે અને બીજું ન ગમે એમ માનીને એને ન આવકારીએ ત્યારે આપણા શરીર અને મનમાં એક અસમવાદિતા પેદા થાય છે જે આપણને દુઃખની અનુભૂતિ કરાવે છે.
આપણે આ દ્વન્દ્વોને સમજીને એ બન્નેને સ્થિતપ્રઘ્નતાથી અપનાવી શકીએ તો આપણે આ સુખ અને દુઃખની ઉંચક-નીચક લાગણીઓમાં ફંગોળવામાંથી બહાર આવી શકીએ. એક બાળક જયારે ઊંચક-નીચક પર રમતું હોય છે ત્યારે એનો આનંદ જોવા જેવો હોય છે. એ નીચે જાય છે ત્યારે દુઃખી નથી થતું કે ઉપર આવે ત્યારે સુખી નથી થતું, કારણ કે એનો અભિગમ આ રમત પ્રત્યે તુલનાત્મક (being judgmental) નથી. એ ઉપર જવાને સુખ અને નીચે જવાને દુઃખ નથી સમજતું. એ આને ફક્ત રમત તરીકે માણે છે. તો શું આપણે પણ જીવન પ્રત્યે આવો અભિગમ ન કેળવી શકીએ? જો એમ થઈ જાય તો જીવન બોજ લાગવાને બદલે રમત જ લાગે.
જ્યાં સુધી આપણે આ તુલનાત્મક અભિગમમાંથી (judgemental attitude) બહાર નહીં આવીએ, આપણી શ્રુષ્ટિના દ્વન્દ્વોને નહીં સમજી શકીએ ત્યાં સુધી આ સુખ – દુઃખના ચક્કરમાંથી બહાર નહીં જ આવી શકીએ.
તો હવે કેમ કરવું અને શું કરવું?
દરેક વસ્તુ કે ઘટના એ જેમ આવે છે એમ નિસ્પૃહતાથી સ્વીકારવી. અણગગમતી હોય તો પણ. મનને વિચલિત ન થવા દઈએ તો ગમતી સ્થિતિ નિર્મળ આનંદ આપશે અને અણગગમતી સ્થિતિનો સામનો કરવાનું, સુધારવાનું પ્રેરક બળ મળશે.
સુખ અને દુઃખ બન્ને કેવળ ક્ષણભંગુર અનુભૂતિઓ છે. તે બન્ને એક સિક્કાની બે બાજુઓ છે. જો કોઈ સિક્કાની એક જ બાજુ હોય તો એ સિક્કો આપણે ખોટ્ટો સમજીને ફેકી દઈએ છીએ. એ વાપરવા યોગ્ય નથી. એવી જ રીતે સુખ – દુઃખ એ જોડી છે. એકની કિંમત બીજા વગર નથી જ. આ શ્રુષ્ટિને સમતામાં (balance) રાખવા માટે સર્જનહારે બધું જ જોડીમાં બનાવ્યું છે. પર્વત છે તો ખીણ હોય જ છે....ખીણ વગર પર્વતની સુંદરતા નથી.
આપણે ફક્ત આ દ્વન્દ્વોને સમજીને સમતા કેળવી શકીએ એની જ જરૂર છે. કુદરત આપણને જે જોઈએ એ આપવા સમર્થ છે. ફક્ત આપણે એ દિશામાં પ્રમાણિક પ્રયત્નો કરવાના હોય છે. આ પછી આપણે ભાગે જે પણ આવે એનો સમતાથી સ્વીકાર કરવાનો હોય છે. જો આ વાત આપણે ગાંઠે બાંધી લઈએ તો દરેક પરિસ્થિતિ સમ છે. જ્યાં સુખ અને દુઃખની બહુ જ પાતળી ભેદરેખા છે. એ કેવળ એક પરિસ્થિતિ બનીને રહી જશે............ન તો સુખ કે ન તો દુઃખ .............એટલે કે કેવળ સમતા............

No comments: