LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Tuesday, July 31, 2012

પપ્પા તમે ....(લેખ)



મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.

પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.

પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.

પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.

મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.

પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.

પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?

પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.

પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.

પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.

આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..

એક ખુબ જ સરસ વાત છે (લેખ).



એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે... પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાનઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.



થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટેફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો.થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓમળી રહે...



ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇનેતેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ"બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જથ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."



મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે, "જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધુંહોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણેહાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનુંકામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડનીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારાનસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)



જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હુંઅત્યારે ગાડીવાળાના ઘરમાં હોત.....!!!" કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...



૨૫,૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટેબચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!

શ્રેષ્ઠતાના ૧૦ નિયમો


૧. અભિમાની નહીં, સ્વાભિમાની બનો
૨.સંયમની ભાષા સૌથી મીઠી
૩.આશા રાખો આકાશને આંબવાની
૪.દરેક માટે સમય કાઢતા શિખો
૫.પ્રેમથી સામે વાળી વ્યક્તિને જીતી લો
૬. ત્યાગ કરતા શિખો. કઇક ગુમાવીને જ કઇક પામશો
૭.સુખ માટે ઝઘડો. નાના ઝઘડા પ્રેમ વધારે છે
૮.કોઇની અપેક્ષાની ઉપેક્ષા કદી ન કરો
૯.કઇક એવું છે જે બદલવું અશક્ય છ તેને સ્વીકારી લો
૧૦. સારા ચારિત્ર્યની પૂંજી બનાવો

લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે


લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે.હજી સુધી એનું ઉત્પાદન કરનાર ફેકટરી શરૂ થઇ નથી.લેબોરેટરીમાં એનું પ્રુથ્થકરણ થઇ શકે છે, સર્જન થઇ શકતું નથી.
નાડીના ધબકારા નસમાં વહેતા લોહીને આભારી છે.
હ્ર્દય નામનો પંપ શરીરમાં લોહીને ફરતું રાખે છે.એ પંપ રજા રાખતો નથી......
લોહીનું ભ્રમણ એટલે જીવન.એ ભ્રમણ અટકી જાય એટ્લે મ્રુત્યુ.

Monday, July 30, 2012

સફળતાના પાંચ સુત્રો



જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં જેટલાં સાધન બતાવ્યાં છે. તેમાં વિદ્ધાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઇચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે.

(૧) પરિશ્રમ અને પુરુષાર્થ :-

જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય.

(૨) આત્મવિશ્વાસ તથા બલિદાન :-

આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હ્રદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે.

જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઇચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ત્યાગ અને બલિદાન માટે સદાય તત્પર રહે.

(૩) સ્નેહ અને સહાનુભૂતિ :-

સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહિ થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.

(૪) સાહસ અને નિયમિતતા :-

ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહિ કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?

(૫) પ્રસન્નતા તથા માનસિક સંતુલન :-

શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુ:ખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિતરૂપે નિષ્ફળતાની જનની છે.

લાગણી મારી તમે સમજયા નહિ....



લાગણી મારી તમે સમજયા નહિ દુઃખ છે મને

મને દુઃખ આપ્યા પછી ક્યાં સુખ મળ્યું છે તને?

જાન મારી લઇ લીધી આ બેકરારી આપીને

જાન મારી લીધા પછી ક્યાં જિંદગી મળી છે તને?

માગ્યું છે બસ સુકુન મેં તો સાથ તારો માંગીને

સાથ મારો છુટ્યા પછી શું સુકુન મળ્યું છે તને?

આંસુઓમાં વેદના બસ એક ફક્ત મારી નથી

મારી સાથે વેદનાની તલવાર કાપી રહી છે તને

મોક્ષ થઇ જશે જો જશે તારી યાદમાં જિંદગી

યાદમાં મારી કણસતી જિંદગી મુબારક છે તને...

સુવિચારો.






Sunday, July 29, 2012

‘‘ક્રોધને કાબુમાં રાખો.’’ (લેખ)


જગતના મુખ્ય કુલ ૧૨ (બાર) ધર્મો છે. બધા ધર્મોનો અભ્યાસ કરતાં દરેક મનુષ્યે જીવનમાં ૬ (છ) બાબતોનું પાલન કરવું એવું કહ્યું છે. સત્ય, અહંિસા, તપ, દયા, અચૌર્ય અને અપરિગ્રહ. અને ૬ (છ) વસ્તુથી હમેશાં દરેક મનુષ્યે દૂર રહેવું જોઈએ. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર- આ છ વસ્તુ કરવાની નથી. આપણા સૌનું એથી ઊલટું છે. જેથી નથી કરવાનું એ પહેલાં કરીએ છીએ અને જે કરવાનું કહ્યું છે તે કરતા નથી. એટલે પરિણામ પણ ઊલટું સુખને બદલે દુઃખ આવે છે. આ કાળા માથાના માનવી આગળ તો ધર્મગ્રંથો પણ લાચાર. બિચારો માણસ !!
જે છ વસ્તુ નથી કરવાની એનો ક્રમ પણ યથાર્થ છે. કામ એટલે ઈચ્છા, વાસના. આ જો ન સંતોષાય તો તુરત ક્રોધ આવે છે અને જો ઈચ્છા સંતોષાય તો અભિમાન આવી જાય છે. ઈચ્છા વારંવાર સંતોષાય તો પછી લોભ લાગે છે, લોભ સંતોષાય એટલે મોહ (માયા) લાગે છે અને છેલ્લે મત્સર એટલે ગુમાન આવી જાય છે - પછી માણસનો સંપૂર્ણ વિનાશ થાય છે. કોઈ પાર્કીંગના સ્થળે એક સાયકલ પડયા પછી ટપોટપ બધી સાઈકલો પડવા લાગે છે એમ માણસનું પતન થાય છે. આજે અહીં આપણે એ છ પૈકી ‘‘ક્રોધ’’ - વિશે વિગતે વાત કરીએ.
ક્રોધ એટલે ગુસ્સો. ક્રોધ હંમેશા ઘટના બની જાય પછી પ્રગટ થાય છે. રસોડામાં નવી જ લાગેલી ક્રોકરી ફૂટી જાય પછી જુઓ ! દાળમાં મીઠું વધારે પડ્યું છે. એક સબડકો માર્યો - પછી જુઓ. ક્રોધ મોટા ભાગે ભૂતકાળ આધારિત ઘટના છે. ક્રોધ કરવાથી કોઈને પરમસિદ્ધિ પ્રાપ્ત થયાનું હજુ સુધી તો સાંભળ્યું નથી. કોઈ ઘાસની ગંજીમાં એક તણખો પડતાં જે નાશ થાય છે તેવો નાશ ક્રોધથી માણસની જંિદગીનો થાય છે. જે હમણાં હસતો માણસ રૂપાખો લાગતો હતો તે જ માણસ ક્રોધ કરતાંની સાથે જ શૂપર્ણખા કરતાં ય વધારે કદરૂપો લાગવા માંડે છે.
ક્રોધ કરવાથી શું શું થાય છે એની તમને ખબર છે ? માણસનું સ્વરૂપ વિકૃત થાય છે, ચહેરો અને આંખો લાલઘૂમ થતાં જ લોહીનું પરિભ્રમણ વધી જાય છે, બી.પી. વધતાં પાચનક્રિયા નબળી પડવા લાગે છે. ક્રોધ જેની ઉપર કરવામાં આવે છે તેને નુકસાન થાય છે. ઘરમાં નાનું સ્વરૂપ કજિયા-કંકાસમાં ફેરવાઈ જાય છે, ઘરના લોકો તમને ધિક્કારવા લાગે છે, વારંવાર ગુસ્સો થવાથી ગુસ્સો કરનારનો સ્વભાવ અકારણ ચીડિયો થઈ જાય છે. કાર્યક્ષમતા ઘટવા લાગે છે. તમારો વિકાસ અટકી જાય છે, પરાધીનતાની શરૂઆત થઈ જાય છે. શારીરિક માનસિક રોગો ઘેરી વળે છે. જીવનમાંથી ખુશીઓ ચાલી જાય છે જેવાં અનેક માઠાં પરિણામો ભોગવવાં પડે છે - એ છે ક્રોધ.
ક્રોધ એટલે મધપૂડા ઉપર પથ્થર મારવો. મધપૂડા ઉપર પથ્થર મારવાથી તરત રીઝલ્ટ મળી જાય છે. ક્રોધ હંમેશા ઉત્પાદક સ્થળે જ ઝાઝું નુકસાન પહોંચાડે છે. માણસ ગુસ્સે થઈને પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિને ચડિયાતી કરી મૂકે છે. આ બઘું જાણ્યા પછી દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર થશે. ક્રોઈને કાબૂમાં રાખવાનો કોઈ ઉપાય છે ખરો ? એક ઉપાય નથી, ઘણા ઉપાયો છે. ચાલો, એ પણ જાણી લઈએ.
હવે પછી જ્યારે પણ જેવો ગુસ્સો આવે છે તુરત જ એ સ્થળ છોડી દો. જે માટે અને જેની ઉપર ગુસ્સો ચડ્યો હતો તેની ગેરહાજરીથી ગેસ બંધ કરવાથી જેમ દૂધનો ઊભરો શમી જાય છે તેમ ગુસ્સો ઓગળવા લાગશે. ગુસ્સો આવે તો તુરત મૌન ધારણ કરી લો. ગુસ્સા પછી જે વાક્રબાણ અને સામસામા દલીલો થાય છે તે હવનમાં ઘી હોમવાનું કામ કરે છે. સામેની વ્યક્તિ આગ છે તો તમે પાણી બનો. ગુસ્સો આવે તો જે વાત ચાલે છે તે બદલી નાખો - બીજી વાત શરૂ કરો.
સૌથી સારો ઉપાય તો એ છે કે ગુસ્સો આવે ત્યારે શાંતિથી બેસી જાવ. આપણા ઈષ્ટદેવતાનું સ્મરણ અને રટણ શરૂ કરી દો. ભગવાનનું શરણ તમને બચાવી લેશે. અગાઉ ગુસ્સો કર્યો હતો ત્યારે દુર્વાસાનું રૂપ ધારણ કરી તમે જે રમખાણ કરી ઘરમાં મોટું નુકસાન કરેલું તે બઘું યાદ કરો. પતિએ પત્ની ઉપર કે પત્નીએ પતિ ઉપર કરેલા ગુસ્સાથી થયેલા અબોલા તોડવા હજાર રૂપિયાની સાડી લાવેલા કે હોટલ-રેસ્ટોરન્ટમાં જવું પડેલું એ બઘુ યાદ કરો. આ બધો પશ્યાતાપ કેટલામાં પડેલો એનું ભાન થતાં જ સ્વીચ ઓફ કરતાં કરંટનો ઝટકો શમી જાય એમ ગુસ્સો વગર ક્રોધ શમી જશે. શું કહ્યું ? સમજદારકો ઈશારા કાફી હૈ !!
ગુસ્સો આવે ત્યારે કોઈપણ ઉત્તેજક, માદક પીણાં કે કેફી દ્રવ્યોનું સેવન ના કરો. એકસીલેટર દેતાં જ પૂરપાટ દોડતી ગાડી આપોઆપ ધીમે પડવા લાગે, તેમ ગુસ્સાનો પારો ઊતરવા લાગશે. કોઈ મનગમતો શોખ કે હોબી હોય તેમાં કામ કરવા લાગી જાવ. કેટલીક હદ સુધી તો ધીરજ રાખતાં શીખી જાવ. પત્નીથી કોઈવાર ૧૫૦૦ (પંદરસો) રૂપિયાનું કોઈ કાચનું સાધન પડી જવાથી તૂટી જાય તો તરત રસોડામાં દોડી જાવ. શાંતિથી કહો ઃ શું થયું ? કાચનું મોધું બાઉલ તૂટી ગયું.. ભલે તૂટી ગયું.. તને વાગ્યું તો નથી ને ડાર્લંિગ ? બીજું લાવીશું, શું તારા કરતાં મારા માટે બાઉલ વધારે કંિમતી છે- ગાંડી !! ચાલ, ચાલ, લાવ પેલી સૂપડી ને સાવરણી તુ બેસ ઘડીક વાર અબઘડી ટુકડા ભરી બઘું સાફ હું કરી લઉં છું. ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલી અને સારા સંસ્કાર લઈને આવેલી ગૃહિણી શું તમે એમ માનો છો કે એ તમને બઘું સારૂ કરવા દેશે ? એ તરત જ કહેશે ઃ તમે ય શું ગાંડા થયા છો કે શું ? હું હોઉંને મારી હાજરીમાં તમે આ બઘું કરશો ? લાજો હવે લાજો. નથી સારા લાગતા. આઘા ખસો હવે.. લાવો સૂપડીને સાવરણી.. આયા મોટા સારૂ કરવાવાળા આ નજાકતના શબ્દો અને લહેંકો આઘા ખસવાનો બદલે એકમેકના આગોશમાં પતિ-પત્ની ક્યારે લપેટાયાં એની યે ખબર ના પડી.
કાચના ટુકડા અગાધ પ્રેમના નિમિત્ત બની ગયા. ફેકેલા પથ્થરમાંથી પગથિયું બની ગયું એ આનું નામ. ચમત્કારો આજે પણ બને છે. પછી એક સંવાદ સંભળાય છે. અઠવાડિયે એકાદ વાર તારે આવું વાસણ ફોડતા રહેવું... જાવ ને હવે તમે ય આવું શું કરો છો એવું કહેતી પ્રેમની મીઠી નજર આગળ આખી સૃષ્ટિની સંપત્તિ ય ઓછી પડે અનુભવ કરવા જેવો ખરો ! ફાયદામાં રહેશો.
પતિ-પત્નીના ગુસ્સાની વાત નીકળી છે તો સંત તુકારામના જીવનમાં બનેલો એક સાચો પ્રસંગ લખવાની લાલચ રોકી શકતો નથી. સંત તુકારામ - ભગવાનના માણસ. એ ભલાને ભગવાનનું નામ ભલું ઃ પણ એમની પત્ની બહુ આકરા પાણીએ, બહુ ખતરનાક ભક્તિ તો સારી વસ્તુ છે પણ સાંજ પડે એટલે પેટ તો ભાડું માગે ને ! તુકારામના ઘરમાં રોજ હંલ્લાં કુસ્તી કરે. એક દિવસ પત્નીનો મિજાજ ગયો. પત્નિ તાડૂકી ઃ કહું છું, સાંભળો છો ? આમ બેસી રહેવાથી દહાડો નહિ વળે ! ભજનથી કંઈ પેટ ભરાતું નથી. જાવ - કમાવા જાવ, કંઈક મજુરી કરો... શું કહ્યું ?
સંત તુકારામને પણ થયું કે ઘરવાળીની વાત તો વાજબી છે. ચાલો મજૂરીએ. શેરડીની સીઝન ચાલે. ખેતરે ખેતરે શેરડી કપાય. એક શેઠના ખેતરમાં શેરડી કાપવાનું કામ મળી ગયું. શેઠે પણ સંત જાણી મજૂરી કરતાંય વધારે મોટો શેરડીનો ભારો સંતના માથે ચડાવી દીધો. ખુશ થતા સંત ઘર તરફ આવવા રવાના થયા. અહીં ઘેર પત્નીને થયું હાશ આજ તો એ કમાવા ગયા છે આવશે.. લાયસીનાં આંધણ મૂકશું... એય ને ઘણા દિવસે આજે પેટ ભરીને જમીશું. આમ તો એ ય કંઈ એમ સાવ જાવ એવા તો નથી. કહીએ એટલું કરે તો ખરા !!
આ તરફ તુકારામ શેરડીનો મોટો ભારો લઈને ઘરના રસ્તા તરફ તો વળ્યા પણ છોકરાંને બહુ મજા પડી ગઈ. સાંઠા ખેંચતા જાયને ખાતા જાય. તુકારામ જુએ પણ આ તો સંત... ‘‘રામકી ચીડિયા રમકા ખેત ખાલો ચીડિયાં ભરભર પેટ’’ જેવી ઘાટ થયો. પતિની રાહ જોઈને ઉભેલી પત્નીએ આ તમાશો જોઈ લીધો. મજૂરીના સાંઠા ખાઈ જાય છે ને કશું બોલતા ય નથી. આવવા દો ઘેર... ખેર નથી, આજે એમની !!
તુકારામ પોતાના ઘરના આંગણે પધાર્યા ત્યારે આખા ભારામાંથી ફક્ત એક જ સાંઠો બચેલો તે પત્નીના હાથમાં આપી તુકારામ બોલ્યા કે લે આજની આ કમાણી.. લાપસીનાં આંધણ મૂકવાનાં સપનાં રોળાઈ જતાં લાગતાં પત્ની વીફરી. ચંડિકાનું સ્વરૂપ ધારણ કર્યું. એ જે એક સાંઠો અને તુકારામનો બરડો. દે ધનાધન. મારી મારીને પત્ની ય થાકી ગઈ અને બેસી ગઈ. શેરડીના સાંઠાના ભાગીને બે ટુકડા થઈ ગયા. બરડો પંપાળતાં પંપાળતાં તુકારામ ઊભા થયા. પેલા બે ટુકડા હાથમાં લીધા. પત્ની પાસે જઈ કહેવા લાગ્યા ઃ- મને તો પહેલેથી જ ખબર હતી કે તું એકલી નહીં ખાય.. લે.. આ એક તારો અને આ એક સાંઠાનો ટુકડો મારો.
બોલો.. હવે આ માણસને કોણ ગુસ્સે કરી શકે !! પત્નીએ સાંઠો હાથમાં લીધો અને બોલી ઃ નાથ ! મને માફ કરો.. માફ કરો મારી ભલ થઈ ગઈ.. આ શેરડીના સાંઠાની મીઠાશ આગળ તો લાપસીની શી વિસાત !! જીવનમાં મીઠાશ જ માણવી છે ને ?
તો આજથી જ ગુસ્સો કરવાનું બંધ.

"ફુલ નહિ પાંખડી બની રહેવું છે,
પાણી નહિ ટીપું બની રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ હોઠો થી સ્મિત બની રહેવું છે."

ઈશ્વરનું અસ્તિત્વ (લેખ)


"એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો.પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો "અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?" પિતાજીએ કહ્યું "કોઈ એ નહીં. આપોઆપ જ બની ગયું." તો યુવક ઘણી આશ્ચર્ય ભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમઝ ન આવી હતી.

એણે પિતાજીને કહ્યું "એ સંભવ જ નથી કે આપોઆપ કઈ થઈ શકે." પિતાજીએ કહ્યું "જો દીકરા! આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ." યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે "પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી." આ સાંભળી પિતાજીએ કહ્યું - "સાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?"

યુવકને પોતાની ભૂલ સમઝાય ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધા યુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.

કથામાંથી શિક્ષા -
પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.

જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.

- સ્વામિની અમિતાનંદ
વેદાન્ત આશ્રમ, ઇન્દૌર

Wednesday, July 11, 2012

પ્રથમ પાનું




અલક મલક ની વાતો માં આપનુ સ્વાગત છે...!!!






અલક મલક ની વાતો પેજ નો મુખ્ય આશય આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ ના ઉત્તમ વિચારો બચાવવા માટે નો છે...ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ ના ઉત્તમ વિચારો બચાવવા હોય તો તે બોલાતા રહેવા જોઇએ, લખાતા રહેવા જોઇએ...

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. ગુગલ , બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે ગુજરાતી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.