LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

ક્યારેક જિંદગીથી નારાજ થઇ જવાય



ક્યારેક જિંદગીથી નારાજ થઇ જવાય, પણ ઊંડાણપૂર્વક વિચારતાં ખ્યાલ આવે કે જિંદગીનો નિર્ણય સાચો જ હોવો જોઇએ.

નાઇસ મિટિંગ યુ, જિંદગી! તું ક્યારેય તારો ચહેરો અરીસામાં જુએ છે, જિંદગી? તું તને જ રસ્તામાં મળી જાય તો ઓળખે ખરી? તને દૂરથી બતાવું તો ટોળામાં ઊભેલી તારી જાતને તું શોધી શકે? હું તને પૂછું કે તારા વિશે પાંચ વાક્યોમાં બોલ તો તું શું કહે, હેં જિંદગી?તું ક્યારેક ખોવાઇ જાય અને તારા વિશે ટી.વી.માં જાહેરાત આપવી હોય તો તારા વર્ણનમાં લખવાનું શું? તારી ઊંચાઇ કેટલી, તારો રંગ કેવો, તારી આંખોનો રંગ કેવો, તારા શરીર પર કોઇ બર્થમાર્ક ખરો? તારું કોઇ પરમેનન્ટ એડ્રેસ છે? પાસપોર્ટ છે? ૭/૧૨નો ઉતારો? તારો પાસપોર્ટ ફોટો, બાયોમેટ્રિક રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે બીજું કોઇ આઇ.ડી. પ્રૂફ ખરું?તારો જન્મ ક્યાં થયો? તું કઇ ભાષા બોલે છે? કઇ ભાષા સમજે છે? લખી-વાંચી શકે છે? અને કદાચ તું જડી જાય તો તને સોંપવાની કોને?કોઇ દાવો કરતું આવે કે તું એની છે, તો આપી દેવાની? તું એની છે એ વાતની સાબિતી શું?તેં કોઇ વિલ-બિલ કર્યું છે જિંદગી? કાલે ઊઠીને તને કંઇ થઇ જાય તો વીમો-બીમો કઢાવ્યો છે? મેડિકલેઇમ છે કે નહીં? કેશલેસ છે કે પછી....

હે ભગવાન! કેટલી બેદરકાર છે તું. તારી ઓળખના કોઇ પુરાવા જ નથી તારી પાસે? કાલે ઊઠીને કોઇ તને પૂછશે કે તું જ જિંદગી છે એવું સાબિત કર, તો કેવી રીતે કરીશ?આ પાણી જેવું સ્વરૂપ કંઇ બહુ સારું નહીં જિંદગી, જે વાસણમાં નાખો એમાં ઢળી જાય ને પોતાની જાતે જાતે લેવલ મેચ કરે... વિજ્ઞાન સુધી બરાબર છે, પણ જ્યારે વિશ્વાસની વાત આવે ત્યારે શું? ઓ જિંદગી, મહેરબાની કર ને જરા વ્યવસ્થિત થા. પર્સનલ પેપર્સ અપડેટ રાખવા જોઇએ. તને કોઇએ કહ્યું નથી? આ રોજ ઊઠીને જિપ્સીની જેમ ભટકતાં રહેવું... રોજ ચહેરો બદલવો, નામ બદલવું, કામ ને ગામ બદલવું... થાકી જઇશ એક દિવસ...ને પછી અરીસામાં જોઇશ ને ત્યારે તારો જ ચહેરો ભૂલી ગઇ હોઇશ...

અમને માણસોને પણ એવું થાય છે. ફરક એટલો જ છે કે તું આખેઆખો ચહેરો બદલે છે ને અમે ચહેરા પરનાં મહોરાં બદલીએ છીએ. મહોરાં બદલતાં બદલતાં ભૂલી જઇએ છીએ કે અમારો મૂળ ચહેરો કયો હતો. અમારો ચહેરો શોધતાં શોધતાં તારો ચહેરો હાથમાં આવે છે ક્યારેક, પણ તને ઓળખી નથી શકતાં. તને ઓળખીએ ત્યાં સુધીમાં તો તું સરકી ગઇ હોય છે. અમે તો તારી સાથે દોસ્તી કરવા માગીએ છીએ. પરમેનન્ટ કોન્ટ્રેકટ કરવો છે અમારે તો, પરંતુ તું... એવી એવી શરતો મૂકે છે, જે બધી જ તારી ફેવરમાં હોય. કોઇ કોર્પોરેટ રુથલેસ જેવી જાયન્ટ છે તું... તને અમારી ચિંતા નથી થતી? તારી સાથે ઝઘડો કરવો છે, જબરદસ્ત!

આંખો પહોળી ન કરીશ, તું જ મને કહે, ઝઘડો કોની સાથે થાય? જેની સાથે કંઇ લેવાદેવા હોય, જેની પાસેથી કંઇ મેળવવાની આશા હોય કે પછી ન મળે ત્યારે ગુસ્સો આવે. બાકી રસ્તે ચાલતા માણસ સાથે આપણે અમથા અમથા ઝઘડીએ છીએ? તું અમારી પોતાની છે... દરેકને એવું લાગે છે! તું ખરેખર કોની છે? કે પછી કોઇની નથી... કે પછી બધાની છે... નક્કી કર ને, શા માટે હેરાન કરે છે, યાર?

ક્યારેક તું એટલી બધી પોતાની લાગે છે કે તારાથી છુટાં પડવાની વાત મજાક જેવી લાગે, તો ક્યારેક એટલી અજાણી અને ક્રૂર લાગે કે તને છોડીને જવા સિવાયનો બીજો વિચાર ન આવે. તું આવી કેમ છે? આટલા બધા લોકોને ત્રાસ આપીને તને પોતાને ત્રાસ નથી થતો? અમે કંઇ પણ કરીએ એને તું ઊંધું પાડી દે, અમે કંઇ માગીએ તો ચોખ્ખી ના જ પાડી દે, અમને કશું ગમે એટલે એ અમારાથી દૂર જ થઇ જાય, અમે પ્રેમ કરીએ એટલે છુટાં પડવાનો પ્લાન તો તેં જ બનાવી દીધો હોય! શા માટે કરે છે આવું?તું અમને પ્રેમ નથી કરતી? અમે તને આટલું ચાહીએ, આટલા બધા લાડ કરીએ, તારા માટે તરફડીએ, અને તું? અમને રમકડાં બનાવીને રમે, કેમ?

પ્રોબ્લેમ હોય તો બેસીને વાત કર. લેટ અસ સોર્ટ ઇટ આઉટ. આમ ભાગતી ફરવાથી શું મળશે? અમે જ્યારે જ્યારે તારી સાથે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તું ભાગી છુટે... વાત કરવા પણ ઊભી નથી રહેતી કોઇ વાર. આંખોમાં આંખો નાખીને કન્ફ્રન્ટ કર યાર... આમ આંખ પણ ન મિલાવે એવું કેવી રીતે ચાલે?હું તો માણસ છું... ફરિયાદ કરું, સ્વાભાવિક છે, પણ તારાથી મારી સામે ફરિયાદ ન થાય. તને હક જ નથી. તારે તો અમને માફ કરવાના, વહાલ કરવાનું. સમય આવ્યે એક તમાચો મારી દેવાની છુટ, એનો વાંધો નહીં... પણ પછી જેમ માનો તમાચો ખાઇને રડતું બાળક પાછું માને જ વળગે એમ અમે વળગવાના તો તને જ.

તારી બધી વાત કદાચ સાચી હોય, તું એકદમ ન્યાયી અને પાકી વહેંચણીઓ કરતી હોઇશ. તું જે કરતી હોઇશ તે બરાબર જ કરતી હોઇશ... આટઆટલા ચહેરા અને પ્રકૃત્તિ જોયા છે તેં, આટઆટલા સ્વભાવો અને સંબંધો સાથે કામ પાડ્યું છે - તને અમારાથી વધારે જ અનુભવ હોય, અમે સમજીએ છીએ... બસ, સ્વીકારી નથી શકતા તારા નિર્ણયને. કકળાટ કરવો એ અમારો સ્વભાવ થઇ ગયો છે - ફરિયાદ કર્યા વિના ચાલતું જ નથી! ક્યારેક તારી સાથે લડી પડું ત્યારે તું જે રીતે મારી સામે જુએ છે ને જિંદગી, એ નજર નથી સહેવાતી જિંદગી.

અમારી સમજ અને અણસમજની વચ્ચે રહેલી ખાલી જગ્યા જ અમને માણસ બનાવે છે! ક્યારેક અમને લાગે છે કે તું તદ્દન ખોટી છે, જીદ્દી છે, આડી અને વિચિત્ર છે. અમને સતાવવા માટે, હેરાન કરવા માટે, ત્રાસ વર્તાવી દેવા માટે તું એક પછી એક ચાલ ચાલે છે... અમે તને ગાળો દઇએ છીએ, તારાથી કંટાળીએ છીએ... તું પૂરી થઇ જાય - છુટીએ અમે એવું પણ બોલી નાખીએ છીએ ક્યારેક, પણ યાર, તારા વિના શું રહેશે એની અમને ખબર નથી!તું છે તો હું છું... અમે છીએ... આ જગત છે... એ દોસ્ત, ક્યારેક એલફેલ બોલી નાખું ને તો ઇગ્નોર કરજે. હું તારી સાથે ગુસ્સામાં નથી, ખરેખર તો હું મારી જાત સાથે ગુસ્સામાં છું ને તારી સાથે ગુસ્સામાં હોઉં તો એ ગુસ્સો બહુ ટકતો નથી. તારી સાથે અબોલા લઇએ તો અમારું અસ્તિત્વ પણ ક્યાંથી ટકવાનું? ...અને તેમ છતાં અપેક્ષાઓ હાથ પકડીને ઘસડીને લઇ જાય છે મને, ફરિયાદોના રસ્તા પર. પહોંચી જાઉં છું હું પીડાઓના જંગલમાં, ને ઇચ્છાઓનું શહેર મને બોલાવ્યા કરે છે.

આપણે જેવો માગીએ એવો પ્રેમ ન મળે, જેની પાસે માગીએ એની પાસેથી ન મળે, જ્યારે માગીએ ત્યારે તો ન જ મળે... એવું કેમ થાય છે જિંદગી? જે આપણને પ્રેમ આપે એના પ્રેમને ઝીલવાની ક્યારેક આપણી તૈયારી ન હોય. એ જેટલો પ્રેમ આપે એટલો સમાવી લેવાની આપણી શક્તિ ન હોય... એ જ્યારે પ્રેમ આપવા માગે ત્યારે આપણી પાસે એટલી ખાલી જગ્યા જ ન હોય કે આપણે એ પ્રેમને યોગ્ય સન્માન આપી શકીએ. એવું કેમ થાય છે જિંદગી?મને ક્યારેક એવું લાગે છે કે તેં અમને સૌને વર્તુળમાં ગોઠવી દીધા છે. સૌ એકબીજાની પાછળ. લાગે છે એવું કે જાણે હમણાં પહોંચી જઇશું, પણ પહોંચીએ ત્યાં તો માણસ આગળ નીકળી જાય.

કેમ આવું કરે છે જિંદગી? વ્હાય?તેં પ્રેમ કર્યો છે જિંદગી? તારું દિલ તૂટ્યું છે જિંદગી? તારી અપેક્ષાઓ ક્યારેય પૂરી ન થઇ હોય, તને કોઇએ તરછોડી હોય, કોઇ એક સાંજે લાઇટ કર્યા વગર બારી પાસે બેસીને તું છાતીફાટ રડી છે જિંદગી?મને નહીં સમજાતું હોય... કે પ્રેમ બે તરફથી હોવો જોઇએ. આપણે જે અનુભવીએ છીએ તે સામેની વ્યક્તિએ પણ અનુભવવું પડે. આપણને જેટલી તરસ અને તરફડાટ હોય એ સામેની વ્યક્તિમાં પણ છલકાવાં જોઇએ... સમજાય છે ભાઇ, બધુંયે સમજાય છે...

No comments: