LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

હકારાત્મક વિચાર વ્યકિતત્વને સુંદર બનાવે છે.




દરેક વ્યકિત પોતાની શારીરિક સુંદરતા અંગે સભાન હોય છે. નાનું બે વર્ષનું બાળક પણ અરીસા સામે ઊભું રહીને હસતું જોવા મળે છે અને આમે હસતું બાળક હંમેશાં સુંદર લાગતું હોય છે નહીં? પરંતુ મોટા થઇને આ સુંદરતા જાળવવા મહેનત કરવી પડે છે. અરીસા સામે ઊભા રહીને કલાકોના કલાકો પોતે વધારે સુંદર કેમ દેખાય તે માટે પસાર કરવા પડતા હોય છે અને જયારે આપણી બાહ્ય સુંદરતાનાં કોઇ વખાણ કરે તો આપણા આનંદનો પાર નથી રહેતો. પરંતુ શું વ્યકિત માટે માત્ર શારીરિક સુંદરતા મહત્ત્વની હોય છે? શું જરૂરી નથી કે જેટલી મહેનત અને મહત્ત્વ શારીરિક સુંદરતાને આપીએ તેટલું જ-કદાચ તેનાથી વધારે મહત્ત્વ આપણી મનોસુંદરતાને આપીએ.

આ વિષય પર ઘણા ખરા લોકો અજાણ હોય છે. કાં તો તેમની પાસે સમયનો અભાવ હોય છે. કારણ?? મનોસુંદરતાને વધારવા માટેનું કોઇ પાર્લર નથી હોતું. જયાંત્યાં તમે અરીસા સામે બેસી જાવ અને ત્રણ-ચાર વ્યકિતઓ ક્રીમ, પાઉડર વગેરે લાવીને તમારી સુંદરતાને થોડા જ કલાકોમાં ચાર ચાંદ લગાવી આપે. મનોસુંદરતાને વધારવા માટે દરેક વ્યકિતએ નિયમિત પોતે જ મહેનત કરવી પડે છે. રોજબરોજનું સંઘર્ષભર્યું જીવન વ્યકિતની મનોસુંદરતાના ચળકાટને ઝાંખો પાડી દે છે. આત્મવિશ્વાસ અને આત્મસમ્માન મનોસુંદરતાની મુખ્ય તાકાત હોય છે.

દિમાગમાં પાંચ અલગ પ્રકારનાં કેન્દ્ર હોય છે.

હકારાત્મક જ્ઞાન કેન્દ્ર

નકારાત્મક જ્ઞાન કેન્દ્ર

અર્ધ જાગૃત (અન્કોન્શીયસ) કેન્દ્ર

કલ્પનાશકિત કેન્દ્ર

યાદશકિત કેન્દ્ર

વ્યકિત પોતાના દિમાગને જે સભાન રીતે કેળવે છે, તે પ્રમાણે વિચારો કાં હકારાત્મક જ્ઞાન કેન્દ્રમાં, કાં તો નકારાત્મક જ્ઞાન કેન્દ્રમાં જઇને ભાવના ઉત્પન્ન કરે છે જેનો પ્રતિભાવ આપણને વ્યકિતનાં વાણી, વ્યવહાર અને વર્તનમાં જોવા મળે છે. વ્યકિતની અંદર દૃષ્ટિકોણ મહત્ત્વનો રોલ અદા કરતો જોવા મળે છે. હતાશા, ચિંતા, નિરાશા, ગુસ્સો, કુટેવ, ઇષ્ર્યા, ઉદાસીનતા જેવી નકારાત્મક ભાવનાઓ વ્યકિતના જીવનમાં પ્રગતિ સાધવા માટે બાધારૂપ હોય છે. આખા દિવસની નકારાત્મક ભાવના- વિચારનો ચક્રવ્યૂહ વ્યકિતને ઉન્નતિની દિશામાં કયારેય પણ લઇ જતો નથી. જો તમે ઘ્યાનથી આજુબાજુની વ્યકિતઓને જોશો તો ખ્યાલ આવશે કે ઘણી વ્યકિતઓ બોલતી વખતે અપશબ્દોનો પ્રયોગો કરતાં હોય છે.

ઘણી વ્યકિત નકારાત્મક શબ્દોનો જેમ કે નહીં, નાનો પ્રયોગ વધારે કરતા હોય છે. સાધારણ પ્રશ્ન પૂછવામાં આવે કે, ‘શું કરતાં હતાં?’ તો જવાબમાં ‘ના, ખાસ કંઇ નહીં?’ વાકયની શરૂઆત જ નકારાત્મક શબ્દોથી થતી હોય છે. ઘણી વ્યકિતઓ નીરસ-નિરુત્સાહી વાર્તાલાપ કરતી જોવા મળતી હોય છે.

વર્તન અને વ્યવહારમાં પણ છણકા અથવા તોછડાપણાની ઝલક દેખાતી હોય છે. શું કયારેય વિચાર્યું છે ખરું કે આપણી શારીરિક બીમારીઓનું મુખ્ય કારણ આપણા મનની ‘નકારાત્મકતા’ છે. ઘણી વ્યકિતઓ માટે એક સાધારણ દુખાવો અસા બની જતો હોય છે. જયારે ઘણી વ્યકિતઓ પોતાના હકારાત્મક વિલ પાવરથી આયુષ્યને લાંબું કરી દે છે.

અહીં પ્રસ્તુત કરેલી ટિપ્સ વ્યકિતની અંદરના હકારાત્મક જ્ઞાન કેન્દ્રને કેળવવામાં મદદરૂપ થશે. નાની-નાની વસ્તુઓ તેમજ પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખવું અને હકારાત્મક દૃષ્ટિકોણ કેળવી પરિસ્થિતિ તેમજ બીજી વ્યકિતને ખુશી આપવી.

માનસિક સુંદરતા વધારવા માટે સવારે ઊઠીને અરીસા સામે ઊભા રહી હસતા મોઢે નીચેનાં હકારાત્મક વાકયો પોતાના માટે બોલવાં. ‘હું એક સારી વ્યકિત છું, મને મારા ઉપર વિશ્વાસ છે, હું મારી જાતને પ્રેમ કરું છું, હું હકારાત્મક વિચાર અને ભાવના ધરાવનાર વ્યકિત છું, મને મારી બુદ્ધિ અને મગજ ઉપર પૂરો વિશ્વાસ છે. હું એક સફળ અને મહેનતુ વ્યકિત છું. હું જે ઈચ્છું છુ તે મેળવું છું.

આ ક્રિયા માત્ર ૨૧ દિવસ કરો. તમે ૨૧ દિવસ પછી તમારી જાત ણે બદલાયેલી જોશો.

No comments: