LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Saturday, August 4, 2012

સુવિચારો.






દુલારું દાંપત્ય



[1] લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે;પરસ્પરની પરાધીનતા હોય છે,અન્યોન્ય પ્રત્યેનું કર્તવ્યપાલન હોય છે

[2] સાચી ગૃહિણી જ્યાં જાય છે ત્યાં સદાય તેની આસપાસ ગૃહ રચાઈ જાય છે. એના મસ્તક ઉપર ખુલ્લું આકાશ જ ભલે હોય,પણ જ્યાં ક્યાંય એ હશે ત્યાં ઘર હોવાનું જ.

[3] હે બાળકો, સહુથી મહામૂલી એક સોગાદ હજી તમારી પાસે રહેલી છે ત્યાં જ એનો જેટલો લેવાય તેટલો લહાવો લઈ લેજો –એ છે પ્રેમાળ માતા. મોટાં થશો ત્યારે તમને મિત્રો મળશે –માયાળુ, મહોબતીલા ભેરુઓ મળશે –પણ એકમાત્ર મા સિવાય બીજું કોઈજે આપી શકતું નથી એવી, શબ્દોથી અવ્યક્ત મમતા ને શીતળતા તો ફરી ક્યારેય તમને સાંપડવાની નથી.


[4] યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી; એ ચિત્તની એક અવસ્થા છે.

[5] દીકરીઓને આપણે ચાહીએ છીએ, એ જેવી છે તેને માટે;દીકરાઓને ચાહીએ છીએ તે જેવા બનવાના છે એને માટે.

[6] જીવનમાં બીજી કેટલીયે સુંદર સુંદર વસ્તુઓ થોકબંધ મળે છે : આટલાં બધાં ગુલાબો, તારાઓ, સૂર્યાસ્તો, મેઘઘનુષો; પણ દુનિયા આખીમાં માતા તો એક જ હોય છે.

[7] ઘર એટલે – આપણા પગ જેનાથી વિખુટા પડી શકે,પણ આપણું હૈયું કદી નહિ.

[8] હે ભાગ્યદેવતા, એટલું વરદાન માગું છું કે મારી વાંછના રહે – સાંત્વન પામવાની નહિ, પણ અન્યને આપવાની;મારી વાત સમજાવવાની નહિ, પણ કોઈની સમજવાની; બીજાનો પ્રેમ પામવાની નહિ, પણ પ્રેમ આપવાની. કારણ કે આપીએ છીએ, ત્યારે જ અમે મેળવીએ છીએ, ક્ષમા કરીએ છીએ, ત્યારે જ ક્ષમા પામીએ છીએ, અને મૃત્યુ પામીએ છીએ ત્યારે જ અમૃત જીવનમાં જન્મ પામીએ છીએ.

[9] જેની સાથે હાસ્ય-કિલ્લોલ કરેલાં હોય, તેને આપણે કદાચ ભૂલી જઈએ; પણ જેની સાથે આંસુ સારેલાં હોય, તેને કદી નહિ.

[10] સફળ લગ્ન એ એક એવી ઈમારત છે, જેને રોજેરોજ નવેસર ચણવી પડે છે.

[11] ચાહે તેવા પુરુષમાંથી પણ સારો પતિ નિપજાવવાની કલા સુલક્ષણા નારીને વરેલી હોય છે.

[12] દુલારા દાંપત્ય માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –હંમેશા એની એ જ વ્યક્તિ સાથે.

પ્રેમ જ બદલી શકે છે તમારા જીવનની દિશા..(લેખ)


જો પોતાના બળ પર કોઇ કંઇ પરિવર્તન લાવી શકે છે તો તે છે પ્રેમ. પ્રેમની શક્તિ કંઇ પણ બદલી શકે છે. આપણા અવતારોએ, સંત-મહાત્માઓએ, વિદ્વાનોએ પ્રેમ પર જ સહુથી વધુ ભાર મૂક્યો છે. માત્ર હિંદુ ધર્મ જ નહીં, મુસ્લિમ, શીખ, ઇસાઈ, બૌદ્ધ દરેક ધર્મનો એક સંદેશ છે કે પ્રેમ. નિષ્કામ પ્રેમ જીવનમાં હોવો જ જોઇએ. તેમાં અપરંપાર શક્તિ સમાયેલી છે. પ્રેમ જીવનની દિશા બદલી શકે છે. પરમાત્માની નજીક જવાનો સૌથી સરળ માર્ગ છે, પ્રેમ. ફકીરોની સોબતમાં શું મળે છે તે તો નક્કી નથી થઇ શકતું પણ કંઇક મેળવવાની ઘેલછા જરૂર નષ્ટ પામે છે. સૂફીઓના અંદાજમાં રહેનારા લોકો અન્ય લોકો પાસેથી અપેક્ષા છોડી દે છે. અપેક્ષા રહિત જીવનમાં પ્રેમ સાવ સરળતાથી જાગે છે. પ્રેમમાં સામેવાળી વ્યક્તિને પોતાના જેવી બનાવવાની તાકાત હોય છે. ફકીરી પ્રેમની પ્રતિનિધિ છે. અહમદ ખિજરવિયા નામના ફકીર સારા લેખક પણ હતા. તેઓ આમ તો ફૌજીઓના વેશમાં રહેતા હતા પણ સંપૂર્ણ રીતે પ્રેમથી લથબથ હતા. એક વખત તેમના ઘરમાં ચોર ઘૂસી ગયો. ચોર કલાકો સુધી ઘરમાં કંઇક શોધતો રહ્યો, પણ કંઇજ હાથ ન લાગ્યું. લાગે પણ ક્યાંથી ઘર તો પ્રેમથી ભરેલું હતું. અહમદનું મન સંપૂર્ણ રીતે પ્રેમમાં મગ્ન હતું. ચોરને પાછા વળતા નિહાળી તેમણે તેને રોક્યો. તેમણે કહ્યું કે હું આપને પ્રેમ તો આપી જ શકુ છું, બાકી મારી પાસે કંઇ નથી. મારા ઘરમાં બેસો અને સમગ્ર રાત ઇબાદત કરો. ફકીર જાણતા હતા કે જીવનનું કેન્દ્રબિંદુ શોધવું હોય તો પ્રેમ જ એક માધ્યમ છે. જેના જીવનમાં પ્રેમ છે તેના જીવનમાં ઉપરવાળો છે. દુનિયામાં જે શબ્દોનો ભરપૂર ઉપયોગ થયો છે તેમાંનો એક છે પ્રેમ. લોકો તેના ખોટા અર્થો પણ કાઢે છે. આવો જોઇએ પ્રેમ કેવું આચરણ કરાવે છે. પેલા ચોરે સમગ્ર રાત દરમિયાન ઇબાદત કરી. સવારે ફકીરને કોઇ અમીર ભક્તે કેટલીક દીનારો આપી. ફકીરે તે દીનારો ચોરને આપી દીધી અને કહ્યું કે તારી ઇબાદતના વળતરમાં આ કબુલ કર. ચોર હવે પ્રેમની પકડમાં હતો. આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે હું એ ખુદાને ભૂલી ગયો હતો જે એક રાતની ઇબાદતમાં આટલું બધું આપી શકે છે. ચોરે દીનારો ન લીધી અને કહેતો ગયો કે પ્રેમ અને પૈસા બંને મળ્યા, પણ હવે જ્યારે પ્રેમ પ્રાપ્ત થઇ ગયો છે ત્યારે અન્ય વસ્તુઓ પણ આપોઆપ આવી જશે. જીવનમાં જ્યારે પ્રેમનો પ્રવેશ અટકી જાય છે ત્યારે અશાંતિને પ્રવેશવાની જગ્યા મળી જ રહે છે.

Friday, August 3, 2012

મોંઘી નથી મનની શાંતિ...(લેખ)



એક માણસે ખૂબ પ્રાર્થના કરતાં ભગવાન પ્રસન્ન થયા. બોલ તારે શું જોઈએ ! માણસે તેની ઇચ્છાઓ કહી. ભગવાન કહે, તારા મુકામે જતાં રસ્તામાં તને ઘણું બધું મળશે તેમાંથી તને જોઈતું લેતો જજે. પણ એ બધામાંથી તારે ફક્ત બે જ ચીજ લેવાની છે, તે યાદ રાખજે.

પેલો તો ખુશ થઈને ચાલવા લાગ્યો. પહેલાં જ તેને અપાર ધન મળ્યું. હરખાઈને તેણે ઉપાડી લીધું. આગળ જતાં પ્રેમ દેખાયો. તે કહે, તને લઈને હું શું કરીશ ! પૈસો હશે તો બધા પ્રેમ કરતાં થઈ જશે. વળી થોડે જતાં તેને શાંતિ મળી. તે ગર્વથી હસ્યો. આટલું બધું ધન છે પછી હું તને લઈશ તો મોજમજા ક્યારે કરીશ ! એવું જ સંતોષનું પણ થયું. તેણે કહ્યું તું હશે તો હું વધુ ધન મેળવવાના પ્રયત્નો અને મહત્ત્વાકાંક્ષા છોડી દઈશ જે મને પોસાય નહીં. તું મારા માટે તદ્દન નકામો છે. સ્વાસ્થ્ય પણ જોતું રહી ગયું અને માણસ આગળ વધતો ગયો. પૈસાથી બધું જ ખરીદી લેવાના ગુમાનમાં તે રાચતો રહ્યો.

છેલ્લે તેને કીર્તિ મળી. તેણે ઝટ લઈને ઉપાડી લીધી. લોકો મારી ધનવાન અને સફળ માણસ તરીકે વાહવાહ કરે તો જીવન ધન્ય બની જાય. બે વરદાન પૂરા થતાં ઘર પણ આવી ગયું પછી તો એ માણસ વગર મહેનતે મળેલા ધનના મદમાં એટલો બેફામ બની ગયો કે, સારાં-નરસાંનો વિવેક ભૂલી બેઠો. કુટેવો અપનાવી બેઠો.

હૈયે પ્રેમનો વાસ નહોતો તેથી મિત્રો, સ્વજનો તેનાથી નારાજ રહેવા લાગ્યા. સંતોષની ગેરહાજરી હોઈને તે વધારે ને વધારે ધન મેળવવાની લાલસામાં દોડવા લાગ્યો એથી જે હતું તેનો પણ આનંદ ના માણી શક્યો. સ્વાસ્થ્ય પણ નારાજ થઈ સાથ છોડી દેવા લાગ્યું એટલે નાની-મોટી બીમારીથી તે ઘેરાઈ ગયો. મનની શાંતિ પણ તેનાથી નારાજ હતી એથી તે સતત ગુસ્સો, ચિંતા, તકરારનો શિકાર બનતો ગયો. સૌએ મળીને તેનું ધન પડાવી લીધું અને તેના જ નામના ઓઠા હેઠળ બધાં ખોટાં કામો પણ કરવા લાગ્યા. પરિણામે મેળવેલી કીર્તિ પણ ખરડાઈ ગઈ. છેલ્લે માનસિક સંતુલન ખોઈને તે કકળી-કકળીને અંતે પાગલ બની ગયો.

આવા અશાંત આત્માઓથી આજે દુનિયા ઊભરાય છે.

પહેલાંના વખતમાં લોકો સંસારથી કંટાળે ત્યારે કહેતાં, હવે તો હિમાલયમાં જઈએ ત્યારે જ શાંતિ મળશે. સંસારની આ થકવી દેતી દોડધામ, સંસારી મોહમાયા છોડી સંન્યાસ લઈ હિમાલયના કોઈ અજ્ઞાત સ્થળે વસીને શાંતિની શોધ કરીશું એવું કહેવાનો આશય રહેતો, પણ માની લો કે, તેવું કર્યા પછી વળી નવી સમસ્યાઓ, નવા જ પ્રશ્નો નહીં ઉદ્ભવે તેની શી ખાતરી ? કારણ કે માણસ જ્યાં જાય ત્યાં બીજું કોઈ ભલે ના હોય તેનો પડછાયો તો સાથે હોવાનો જ. આ પડછાયામાં તેનું મન, તેના વિચારો, જન્મોજન્મથી તેના આત્માને વિંટળાયેલા વિકારો, ઇચ્છાઓ અને સંસ્કારો હોય જે તેનો પીછો ના છોડે, પરિણામે તે ઠેરનો ઠેર જ રહે.

આજનો સિનારિયો જોઈએ તો વ્યથિત, હતાશ લોકો મનની શાંતિ સંસારમાં રહીને જ શોધવા મથે છે. તેમના લાભાર્થે આજે અનેક જાતનાં પુસ્તકો, પ્રવચનો, શિબિરો યોજાય છે. મન સ્વસ્થ બનાવે શાંતિ અપાવે તેવાં ગુરુઓ પણ હાજર છે.

સવાલ એ થાય કે, આ પુસ્તકો, પ્રવચનો કે શિબિરોમાંથી જે કંઈ ભાથું બંધાવાય છે તેને મનભેગું કરનારા કેટલાં ? કોઈ ખવડાવે તેમાં પેટ ભરાયાનો સંતોષ થાય ખરો ? ને થાય તો ટકે કેટલો ? વળી પાછી એ જ સમસ્યાઓ અને એ જ કંટાળો આપતી, નિચોવી નાખતી રોજિંદી ઘટમાળમાં પડે કે શાંતિ છૂ થઈ જાય, કેમ કે બધું જ જ્ઞાન ઉપરછલ્લું જ ગોઠવ્યું હોય તે જરાકમાં ખરી પડવાનું.

ત્રણ મુદ્દા થકી માણસ માનસિક શાંતિ ગુમાવતો હોય છે, સ્વભાવથી, સંજોગોથી અને સંબંધોથી.

આજનો માણસ મકાન બદલે છે, વસ્ત્રો બદલે છે, સંબંધો પણ બદલે છે છતાં પણ દુઃખી છે, અશાંત છે, કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો અને માણસની મોટાભાગની સમસ્યાઓ જ તેના સ્વભાવ થકી જ ઉદ્ભવતી હોય છે.

ઘણીવાર જીવનમાં ના ધારેલાં અણગમતાં સંજોગો ઊભા થતાં હોય છે, જેના પર આપણો કોઈ કાબૂ ના હોય. ક્યારેક આપણી ભૂલથી તો ક્યારેક બીજાઓ થકી એવું બની જાય છે જે સહનશક્તિ ખૂટાડી દે. ના બોલાય ના સહાય એવી સ્થિતિમાં પ્રતિક્રિયારૂપે અકળામણ અને ગુસ્સો થવાથી મન ડહોળાઈ જાય છે. આવા દરેક સંજોગો દરમિયાન શક્ય તેટલાં આવેગોને કાબૂમાં રખાય તો વાત વણસતી અટકે. મન શાંત રાખી વિચારવાથી વધુ સારાં પરિણામો મળશે તે યાદ રાખવું અને મનને વિચલિત કરી દે તેવા પ્રશ્નોનો જવાબ સમય પર છોડી દેવો, કેમ કે મન પરનો કાબૂ હશે તો સમય પણ તમને ઉકેલ શોધવામાં સહાય કરી શકશે.

સંબંધોની વાત કરીએ તો અહીં સંબંધો બગડવા કે કડવાશ પેદા થવા પાછળ માણસનો સ્વભાવ વધારે જવાબદાર બને છે. ક્યારેક સામેની વ્યક્તિનો તો ક્યારેક આપણો સ્વભાવ એવો આડો ઊતરે છે જેનાથી તકરાર ઊભી થાય.

રોજેરોજ કંઈ કેટલાંય લોકો સાથે વિચાર-વ્યવહાર થતો હોય છે તેમાં કોઈ અજાણ્યા હોય તો કોઈ પરિચિતો કે સ્વજનો હોય, તે દરેકના સ્વભાવમાં કંઈ ને કંઈ એવું તો હોય જ જે આપણને કઠે, કરડે કે ના ગમે. તેમની વાણી-વર્તન આપણને ગુસ્સો અપાવે, પણ છતાં તેમનો સામનો કરવો જ પડતો હોય છે. આવા સમયે આપણા સ્વભાવની અને ધીરજની કસોટી થઈ જાય છે. આપણે તેમને નથી અટકાવી શકતાં કે નથી તો સુધારવા ટકોર કરી શકતાં ત્યારે મન અકળાય છે, અશાંત થાય છે જેની અસર ખુદના જ વર્તન અને શરીર પર થવા લાગે છે. બીજાનું કંઈ બગડતું નથી.

આ સ્થિતિથી બચવાનો એક જ વિકલ્પ બચે છે. જે સંજોગો કે વ્યક્તિનો સ્વભાવ બદલી ના શકાય તેમ હોય તેને સ્વીકારીને ચાલવું. વળી સંજોગો તો હજુ પણ સમય જતાં બદલાશે, પણ કોઈનો સ્વભાવ બદલવો અશક્ય બનશે. તેના કરતાં આપણું મન વિચારો, દૃષ્ટિકોણો, સંજોગોને અનુકૂળ કરતાં જઈ આપણો સ્વભાવ જ કેમ ના બદલીએ ! બધું આપણને જ અનુકૂળ થાય તે રીતે બને તેવું શક્ય નથી અને બધા લોકો આપણા મનને સુખ થાય તેવું જ વર્તે તે પણ અશક્ય છે, પરિણામે જો કાંઈ બદલવું જ હોય તો તેની આપણા લાગણીતંત્રથી જ શરૂઆત કરવી.

ઝીણવટથી વિચારતાં યાદ આવશે કે, રોજેરોજ કેટલી બધી નાની-મોટી અને નગણ્ય જેવી બાબતો માટે આપણે વિચલિત થઈ જઈએ છીએ. ખાસ કારણ વગર કે જરૂર વગર ગુસ્સો કરીને ખેંચાઈએ છીએ. નાની નાની બાબતોમાં શાંતિ ખોઈ બેસીએ છીએ.

ડ્રાઈવર મોડો આવ્યો હોય, એપોઈન્ટમેન્ટ આપ્યા પછી પણ ડોક્ટર વેઈટ કરાવે, કોઈ બિલ ભરવાનું રહી ગયું હોય, કોઈ વાહન લાઈન તોડીને ઓવરટેક કરી જાય, કામવાળી કીધા વગર રજા પાડી દે, બાળકો કહ્યું હોય તેવું ના કરે, પાંચ-દસ મિનિટ મોડા હોઈએ તોય બોસ કે ઉપરી ઠપકો આપે, ગાડી જલદી સ્ટાર્ટ ના થાય... આવી આવી તો અગણિત બાબતો બનતી જ રહે અને આપણે ગુસ્સો, અકળામણ કે બૂમબરાડા પાડીને તેને મન પર ઝીલતાં જ રહીએ. હવે આવું ને આવું ચાલતું રહે તો રાત પડયે મનની કઢી વલોવાઈ જાય !

આપણી આસપાસના જીવનમાં આવું તો ઘણું બધું અનિચ્છાએ, અવ્યવસ્થિતપણે અને અણગમતી રીતે ચાલ્યાં જ કરવાનું. જે આપણા હાથમાં નથી તેના પર કાબૂ કરવો કેટલો યોગ્ય ? બધાં લોકો અને સંજોગો એક આપણા જ મૂડ અને મનને અનુલક્ષીને વર્તે તેવું માનવું બેકાર છે. એટલે જે બને છે તેને સાક્ષીભાવે જોતાં રહેવાનું શક્ય હોય તો બીજા વિકલ્પો શોધી લેવા પણ મનની શાંતિને ઇજા ના પહોંચાડવી. ઇજા શબ્દ એટલા માટે કે આમ વાતેવાતે વારંવાર વિચલિત થયા કરવાની ટેવ મનને પડતી જાય તો તે સ્વભાવમાંથી સહિષ્ણુતા, ધીરજ બંને ખોઈ બેસે. સ્વભાવ ચીઢિયો અને અકારો બની જાય અને ડહોળાયેલું મન જીવનનો સાચો આનંદ, નાની નાની વાતોથી મળતી ખુશીના અનુભવી શકે. અનુભવીઓ તેથી જ કહે છે કે, માથે બરફ રાખીને જીવો એટલે કે ગમે તે સંજોગોમાં દિમાગ ઠંડું રાખો.

મનની શાંતિ માટે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા પડે. જેમ કે પારકી ચિંતા ના કરવી, જગત કાજી ના બનવું, કોઈની ટીકામાં ના પડવું.

એક સ્ત્રીનો ફોન આવ્યો. તે ઝટ રસોડામાંથી બહાર આવી. નિરાંતે છાપું વાંચતા પતિને હલબલાવીને કહે, “જો હું કહેતી’તી ને કે પેલા નરેશભાઈની મીતાના લક્ષણો સારા નથી. તે ભાગી ગઈ. સાવ રખડું થઈ ગઈ હતી...” એ બોલતી જ રહી. ત્યાં રસોડામાંથી દૂધ ઊભરાવાનો અવાજ આવતાં દોડી. હવે પતિ મહાશય ગુસ્સે થયા. તારે શી પડી છે. છોને ભાગી ગઈ, તું તારું સંભાળને... એમની તકરાર વધતી ગઈ ત્યાં સાસુ આવ્યાં તે પણ વહુને સંભળાવવા લાગ્યા. ત્યારે પતિએ પત્નીનો પક્ષ લઈ માને વઢી નાખી.... આમ નાનકડી વાત કે જેનું તેમની જિંદગીમાં કોઈ મહત્ત્વ જ નહોતું તેણે ઘરનો માહોલ બગાડી નાખ્યો. સૌના મન નાહકના ઊંચા કરી મનદુઃખ ઊભું કરી નાખ્યું. ભોગવ્યું કોણે ? મીતાએ કે આ લોકોએ?

મનની શાંતિ જોઈતી હોય તો બોલવું ઓછું અને સાંભળવું વધારે. વધારે બોલવામાં ક્યારેક વગર વિચારેલું બોલાઈ જાય છે જે વાત બગાડે, કડવાશ ફેલાવે અને અંતે આપણા જ મનની શાંતિ છીનવી લે.

અન્ય મહત્ત્વનો મુદ્દો છે આપણું ધારેલું થાય તો જ સુખની અનુભૂતિ થાય ! એટલે કે કાયમ આપણું મનગમતું, આપણા જ પ્લાન મુજબ બન્યા કરે ? બલકે એવું ભાગ્યે જ થતું હોય છે. કોઈ જરાક જુદું વર્તે કે બોલે તો આપણે દુઃખી અને કોઈ ગમતું વર્તે તો આપણે સુખી ?શું આપણા સુખ-દુઃખ અને મનની શાંતિ બીજાઓના વર્તન પર જ અવલંબતી હોય છે ? જ્યાં સુધી જાતે ખુશ રહેવાની કળા સાધ્ય ના કરાય આપણને માનસિક શાંતિ મળે નહીં. આપણા મનના આપણે જ રાજા રહેવાનું. લગામ કોઈ બીજાના હાથમાં નહીં સોંપવાની.

વળી લોકોને સુધારવાનો કે સલાહ આપ્યા કરવાનો આપણે ઠેકો પણ નથી લીધો. આપણે આપણું સંભાળીને બેસી રહેવાનું, બીજાની પાછળ કે ફાલતુ બાબતોમાં સમય અને શક્તિ ના વેડફવા. બીજા આપણને સુધારવા મંડી પડશે તો શું ચલાવી લઈશું કે તેના કહેવા પ્રમાણે બદલાઈ જઈશું ખરા ? તો જગત આખાને બદલી આપણને અનુકૂળ બનાવવાની મથામણો કેમ કરવાની ?

માનસિક શાંતિ માટે ઉત્તમ વાંચન, સારા મિત્રો, સમજુ પાડોશીઓ, પ્રેમાળ સ્વજનો એ દરેક સહાયક પરિબળો છે. પોઝિટિવ વિચારધારા રાખી આસપાસના સૌની સાથે સાયુજ્ય સાધવાથી સૌના તરફથી પોઝિટિવ આંદોલનો મળશે જે શાંતિ આપશે. એ માટે સૌની સાથે સારો વ્યવહાર રાખવો, પોતાની તથા સૌની મર્યાદાઓ સમજી તેનો સ્વીકાર કરવો, મનને સ્થિર રાખવું, કોઈની લાગણી દુભાય તેવું ના વર્તો બલકે સારી વાતો વહેંચો તો આપોઆપ મન શાંતિ અનુભવશે. અને વણજોઈતી બાબતો આપણને વ્યથિત નહીં કરી શકે.

મનની શાંતિ ક્યાંય બહાર શોધવા જવાથી નહીં મળે. તમે કોઈ જ્ઞાની વ્યક્તિનું પ્રવચન સાંભળવા બેઠા હશો ખૂબ પ્રભાવિત કરી દેતી અધ્યાત્મની વાણી તમારા કાન સાંભળતાં હશે, પણ મન કોઈ દૂર ઘટેલી ઘટના પર ચોંટેલું હશે તો કંઈ પલ્લે નહીં પડે. બધું બોલાયેલું વ્યર્થ જશે. એટલે જ જે કંઈ કરવાનું છે તે મનથી જ શરૂ થાય છે. મન-હૈયું અને બુદ્ધિ ત્રણેય એક થઈને ફક્ત એક જ મુદ્દા પર કામ કરશે તો જ મનને સાચી શાંતિ મળશે.

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! (લેખ)


એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ? એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે ! માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે. એક લગ્નપ્રસંગે એક ભાઈ પોતાના ભાઈને ભેટ્યો. પછી નાનો ભાઈ જરાક દૂર ગયો એટલે મોટાભાઈએ તેમની બાજુમાં ઊભેલા સંબંધીને કહ્યું : ‘મને મારા ભાઈ માટે કશી જ લાગણી નથી. મારો ભાઈ થવાને તે લાયક જ નથી, પણ આ તો બધું દેખાડવા માટે કરવું પડે છે. મારું ચાલે તો હું એનું મોં પણ ના જોઉં.’ આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ. એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે. એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ. એક ડૉક્ટરે હમણાં તેમના એક ‘દર્દી’ની વાત કરી. એ દર્દીએ ફરિયાદ કરી કે તેને ઊંઘ જ આવતી નથી. દાક્તરે પૂછ્યું કે તમે રાતે ભોજન શું લો છો ? દર્દીએ કહ્યું કે ખાસ જમતો નથી. રાત્રે ચા પીઉં. દાક્તરે પૂછ્યું કે કંઈ વાંચો છો ? કે પછી કાંઈ કામ કરો છો ? દર્દીએ કહ્યું કે વાંચતો નથી. કંઈ કામ પણ કરતો નથી. બસ વિચાર કર્યા કરું છું. શેના વિચાર ? ખાસ કાંઈ નહીં, જે કંઈ વિચારો આવ્યા કરે તે ! ડૉક્ટરને દર્દીએ વધુમાં જણાવ્યું કે અડધી અડધી ચા પીવાનું આ ચક્ર બપોરથી શરૂ થાય છે અને અડધી રાત સુધી ચા પીવાનું આ ચક્ર ચાલ્યા કરે છે. કશા જ કામ વગર, કશા જ કારણ વગર એ ભાઈ મગજની ઘંટી ચલાવ્યા કરે છે. ઘંટીમાં ખાસ કાંઈ દળવાનું તો છે જ નહીં. ખાલી ઘંટી ચાલ્યા કરે. પછી એ ભાઈને ઊંઘ ક્યાંથી આવે ? ઊંઘ તો જોઈએ છે પણ ખોટા ઉધામામાંથી છુટાતું નથી. આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી. આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે. હમણાં એક જુવાનના પિતા એક મનોચિકિત્સકને મળ્યા અને કહ્યું કે પુત્ર વારંવાર આત્મહત્યાની કોશિશ કરે છે અને અમે તેની આવી દરેક કોશિશને નિષ્ફળ કરી છે પણ હવે કરવું શું ? આ છોકરો ક્યારે શું કરે તેનું શું કહેવાય ! મનોચિકિત્સકે એ યુવાનની સાથે વાત કરી – કેમ આત્મહત્યા કરવી છે ? શું થાય છે ? શું મૂંઝવણ છે ? યુવાને કહ્યું કે મને કોઈ આવતું દેખાય છે. મને કોઈક મારી ઉપર ધસી આવતું દેખાય છે. મને મારી નાખવા માટે તે આવી રહ્યો છે એટલે એ આવીને મને પતાવી દે તે પહેલાં હું જ મને ખતમ કરી નાખું ! – આ તો માનસિક રોગ હતો. મનોચિકિત્સકે એ યુવાનને તેના સ્ક્રીઝોફેનિયાની જે દવા આપવાની હતી તે આપી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રોગ એ યુવાનનો નથી. આપણા આજના યુગનો આ રોગ છે. કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ. દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ...(લેખ)


લાઈફ ક્યારેક બહુ અજીબ લાગે છે .... કે પછી ક્યારેક આપણે જ એટ્લા અજીબ બની જતા હોઈએ છીએ ? નાના હોઈએ ત્યારે એમ થાય ક્યારે જલ્દી મોટા થઈ જઈએ અને મોટા થઈએ ત્યારે એમ થાય છે કે શુ કામ મોટા થયા ? કાશ ફરી નાના થઈ જઈએ .... ભી્ડમા હોઈએ તો એમ થાય કે ક્યાક દૂર શાંત સ્થળે એકાંતમાં નિરાંતે રહીએ .... અને એકલા હોઈએ તો એમ થાય કે પોતાના લોકોની વચ્ચે રહીએ. well .... પણ એકલા રહેવુ અને એકાંતમાં રહેવુ એમા પણ ઘણો ફરક (ફર્ક) છે. આપણે જેમની વચ્ચે રહેતા હોઈએ એ ખરેખર આપણા હોય તો એમની સાથે રહેવુ એ સાચેજ મજા છે. છતાંય પોતાની જાત સાથે થોડો સમય ગાળવાની, ખુદની સાથે વાત કરવાની પણ એક અલગ મજા છે ....એકાંતની વાત નિકળી છે તો એક વાર્તા યાદ આવે છે ..... એકવાર એક સંત ફરતા ફરતા એક શક્તિશાળી રાજાના રાજ્યમા આવે છે. એટલે રાજા અને રાણી પણ એમને મળવા જાય છે. સંતની સાથે ધર્મ અને ધ્યાનની ચર્ચા કર્યા પછી રાજા અને રાણી ને એમા વધારે રસ પડે છે અને વધારે ઉંડાણપૂર્વક સંત પાસેથી ધ્રર્મ અને ધ્યાન વિશે જાણે છે. તેમ જ એને જીવનમાં ઉતારવાનો અને એ મુજબ જ જીવવાનો નિર્ધાર કરે છે. રોજ અમુક નક્કી સમય સુધી રાજા અને રાણી ધ્યાન કરવા લાગે છે. અને વધુ ને વધુ પોતાની અંદર ઉતરતા જાય છે. જીવનને , આસપાસની વસ્તુઓ ને સમજતા જાય છે.એકવાર રોજ ની જેમ જ રાજા અને રાણી ધ્યાન કરીને બેઠા હોય છે ત્યા અચાનક રાણીને પ્રશ્ન થાય છે ...અને એ રાજાને પૂછે છે કે -"આમ તો આ પ્રશ્ન બહુ વિચિત્ર છે છતા મારા મનનુ સમાધાન કરો અને કહો કે તમે સહુ થી વધારે કોને પ્રેમ કરો છો ?" રાજા વિમાસણમા મૂકાઈ જાય છે. ધર્મના સાચા રસ્તા પર ચાલવાની ટેક લીધી છે તો જુઠ્ઠુ તો બોલાય નહી .... પણ તો યે એ વિચારે ચડી જાય છે ... રાજા પણ વિચારે છે કે આખરે એ સહુથી વધારે શેને પ્રેમ કરે છે ? આજ પહેલા એણે ક્યારેય આ વિષે વિચાર્યુ નહોતુ. એ રાણી પાસે એક દિવસ નો સમય માગે છે અને સામે રાણીને પણ એ જ સવાલ પૂછે છે કે " રાણી તમે કોને પ્રેમ કરો છો સહુથી વધુ ?" આખરે બંને નક્કી કરે છે કે ધ્યાન કરતી વખતે મગજ શાંત હોય એટલે ત્યારે જ આનો જવાબ શોધીશુ.બીજા દિવસે ધ્યાન કર્યા બાદ રાજા રાણીને જણાવે છે કે " માફ કરજો રાણી પણ તમે પૂછેલો સવાલ આજે ધ્યાન કરતા મે મારી જાતને પૂ્છ્યો તો મને જાણવા મળ્યુ કે હુ સહુથી વધારે મને જ પ્રેમ કરુ છુ. હુ જે કઈ પણ કરુ છુ એ મને સુખ મળે છે, શાંતિ મળે છે, આનંદ મળે છે , સંતોષ મળે છે એટલે જ કરુ છુ.....અર્થાત હુ મને જ સહુથી વધુ ચાહુ છુ " ......................... રાણી કહે ," આશ્ચર્ય ! પણ મે પણ ધ્યાન કરતા કરતા મારી જાતને આ સવાલ પૂછ્યો તો મને પણ ખબર પડી કે હકીકત મા હુ પણ મારી જાતને જ સહુથી વધારે પ્રેમ કરુ છુ ..."........." માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ..... અને એ જ સાચુ અને યોગ્ય છે. જે ખુદને ચાહી ના શકે એ બીજાને તો કેવી રીતે ચાહી શકે ?" ..... કોઈ ની ખુશી માટે ક્યારેક કોઈ પોતાની ખુશી જતી કરે છે એ વાત સાચી .... પણ એ ખુશી જતી કરવા પાછળ પણ ખુદ ને જ આત્મસંતોષ આપવાની ભાવના જ રહેલી હોય છે ને! તો એમા પણ અલ્ટીમેટલી તો પોતાની જાતને જ ચાહવાની વાત આવીને! ... આપણે જે કંઈ કરીએ છીએ એ આખરે તો ખુદને જ કેંન્દ્રમા રાખીને કરીએ છીએ ને! જાતથી અળગા થઈને તો ભલા ક્યા જઈ શકવાના! .... " anyways, વધુ પડ્તી ફીલોસોફી અહી ગદ્યમા છલકાઈ જાય એ પહેલા પદ્યમા આ philosophical poem :)એક પણ પગલું- સગડ મૂક્યા વિના, અવગત થઈને,આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,હું ગુમાવું છું ઘણું - હદથી વધારે, પુખ્ત થઈને.સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયેકૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.....

Wednesday, August 1, 2012

આશાવાદી બનો.....


'આશા એ એવું તત્ત્વ છે જે તમને સફળતા તરફ લઈ જાય છે, આશા અને વિશ્વાસ વગર કાંઈ પણ કરી નથી શકાતુ'. આ વાક્ય છે મહાન હેલન કેલરનું જે પોતે અંધ અને બહેરા હતાં પણ વિશ્વાસથી ભણીને તેમણે આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી. (તેઓ વિશ્વની પ્રથમ એવી વ્યક્તિ હતી જેણે અંધ હોય છતાં આ ડિગ્રી પ્રાપ્ત કરી હોય) તેમણે ૧૨ પુસ્તકો લખ્યાં હતાં. એવું કહેવાય છે કે ભગવાનનો એક એવો નિયમ છે કે આ જગતમાં શ્રમ વિના કંઈ પ
્રાપ્ત થતું નથી. જે પૂરા આત્મવિશ્વાસથી પરિશ્રમ કરે છે તે બધું મેળવીને જ રહે છે અને ક્યારેય નિરાશ થતો નથી. દરેક કાર્યના પ્રારંભે સફળતા હોય તે શક્ય નથી પણ સફળતા હશે જ એવી આશા રાખનારો માનવી સફળ જ થાય છે. જે આશાવાદી છે તેની પાસે સર્વસ્વ છે કેમ કે આ દુનિયા જ આશા પર ટકી છે. પુરુષાર્થ દરમિયાન તમારે સીમિત નિરાશા સ્વીકારવી પડે પણ તેની સામે અસીમિત આશા ક્યારેય ના છોડવી.
...સફળતા પ્રાપ્ત કરવા બીજાની સહાય કે બાહ્ય સાધન કરતાં તમારો આત્મવિશ્વાસ અધિક મદદરૂપ થાય છે.