LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

કર્મ એટલે શું?


એક પ્રશ્ર્ન છે કે શું માનતા માનવાથી તમારી મનોકામના પુરી થવાની છે? આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા? જો માનતા માની લેવાથી દરેકની મનોકામના પુરી થતી હોય તો તો આ દુનિયામાં કોઈ સમસ્યાજ ન હોત, કોઈ દુઃખ કે તકલીફ પણ ન હોત.

ભગવાનને તમારી પાસેથી કશુંજ નથી જોઈતુ, ભગવાન તો ફકત આપવામાંજ સમજે છે. તેમની પાસે તમારા પાપ-પુણ્યનો પુરો હિસાબ હોયજ છે અને તેના પ્રમાણે તમને સુખ-દુઃખ આવ્યા કરે છે. કુદરતે (ભગવાને) દરેક વસ્તુની રચના સમજી વિચારી ને કરી છે, તેને માટે એક દાખલો આપુ - એક્વાર એક માણસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા રસ્તામાં તે થાકી ગયો. તેને થયું કે લાવ થોડોક આરામ કરી લવુ. ત્યાં એક મોટુ ઘટાદાર વડનું ઝાડ તેને દેખાયુ. તે વડના ઝાડ નીચે લાંબો થઈ ને સુતો હતો. સુતા સુતા તેને વિચાર આવ્યો કે ભગવાને પણ કમાલ કરી આવડા મોટા વડના ઝાડ ઉપર સાવ નાના નાના ટેટા ઉગાડયા અને આવડા મોટા કલિંગર જમીન પર વેલા ઉપર ઉગાડયા. તે મનોમન ભગવાનની આ રચના ઉપર હસતો હતો. ત્યાંજ વડના ઝાડ ઉપરથી એક ટેટુ તેના માથા ઉપર પડયુ અને એ જબકી ગયો. તેને ત્યારે વિચાર આવ્યો કે ભગવાને બધુંજ બરાબર કર્યું છે, ટેટાની જગ્યાએ કલિંગર ઝાડ ઉપર હોત તો?

આ તો થઈ ભગવાનની રચનાની વાત, પરંતુ આપણી વાત હતી 'માનતા' માનવા વિશે. દરેક વ્યક્તિ જયારે જયારે તકલીફમાં આવે છે ત્યારે તેને ભગવાન યાદ આવે છે અને પોતાની તકલીફ દુર થઈ જાય તે માટે તે ભગવાનને પ્રાર્થના કરે છે અને કોઈ ને કોઈ માનતા માની લે છે. માનતા માનવાથી એક વાત જરૂર છે કે મનુષ્યને એક માનસિક રાહત નો અનુભવ થાય છે કે હવે તેની તકલીફ દુર થઈ જશે, પરંતુ કોઈ વ્યક્તિ એ વિચારવા તૈયારજ નથી કે એને જે તકલીફ આવી છે તે શા માટે આવી છે? કોઈ વ્યક્તિ પોતાના કર્મ વિશે વિચારવા તૈયારજ નથી.

કોઈ જગ્યાએ મેં વાચ્યું છે તેનો એક દ્રષ્ટાંત તમને કહું ...

મહાભારતમાં જ્યારે ૧૦૦ કૌરવો મરી ગયા પછી ધ્રુતરાષ્ટે ભગવાન શ્રી કૃષ્ણને પુછ્યું કે "હે કૃષ્ણ ! મને આ સજા કેવી મળી કે હું આ જનમમા આંધળો થયો અને મારા સો સો દિકરા એક સાથે મારી હયાતીમાં મૃત્યુ પામ્યા?". ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપ્યો કે "હે ધ્રુતરાષ્ટ, તુ તારા એક જનમમાં શિકારી હતો અને તે એકવાર કબુતરો ચણતાં હતા તેમના ઉપર સળગતી ઝાળી નાખી હતી, જેને લીધે કેટલાંય કબુતરો આંધળા થઈ ગયા હતાં અને સો કબુતરો એકસાથે મરી ગયા હતાં, તારા એ કર્મનું ફળ તારે આ જનમમાં ભોગવવાનું હતું માટે તું આ જનમમાં આંધળો થયો અને તારા સો સો દિકરા એક સાથે મૃત્યુ પામ્યા".

કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે તમને તમારા કર્મોના ફળ ભોગવ્યેજ છુટકો છે. કદાચ અત્યારના આપણે સુખ ભોગવતા હશું તો કોઈ આપણા સાર કર્મોનું ફળ ભોગવતા હશું અને જયારે તકલીફ આવે ત્યારે જરૂરથી માનવુ કે આપણા કોઈ ખરાબ કર્મોનું ફળ આપણને મળ્યું છે.

માનતા માનવી હોય તો એવી માનો કે હું હંમેશા સારા કર્મો કરીશ અને ક્યારેય મનથી પણ કોઈને માટે કાંઇજ ખરાબ વિચારીશ પણ નહિં. તમે સારા કર્મો કરો, તમને તેનું ફળ અવશ્ય સારુંજ મળશે. કોઈનું સારું ન કરી શકોતો કાંઇ નહિં પરંતુ ખરાબ તો કયારેય ન કરતાં.

સુખ આવશે તો એ પણ ચાલ્યુજ જવાનું છે અને દુઃખ પણ જયારે આવશે તો એ પણ ચાલ્યુંજ જવાનું છે. સમય હંમેશા પરિવર્તિત છે તે હંમેશા ઘ્યાન રાખો અને બને એટલા સારા કર્મો કરતાં રહો. માનવ ધર્મ થી મહાન કોઈ ધર્મ નથી. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તેનો આભાર માની પુણ્યનું ભાતુ બાંધતા રહો, જે પરલોકમાં પણ તમારી સાથે આવશે અને કદાચ આ ભવોભવના ફેરા થી મુક્તિ અપાવશે.

No comments: