LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Friday, August 3, 2012

મોંઘી નથી મનની શાંતિ...(લેખ)



એક માણસે ખૂબ પ્રાર્થના કરતાં ભગવાન પ્રસન્ન થયા. બોલ તારે શું જોઈએ ! માણસે તેની ઇચ્છાઓ કહી. ભગવાન કહે, તારા મુકામે જતાં રસ્તામાં તને ઘણું બધું મળશે તેમાંથી તને જોઈતું લેતો જજે. પણ એ બધામાંથી તારે ફક્ત બે જ ચીજ લેવાની છે, તે યાદ રાખજે.

પેલો તો ખુશ થઈને ચાલવા લાગ્યો. પહેલાં જ તેને અપાર ધન મળ્યું. હરખાઈને તેણે ઉપાડી લીધું. આગળ જતાં પ્રેમ દેખાયો. તે કહે, તને લઈને હું શું કરીશ ! પૈસો હશે તો બધા પ્રેમ કરતાં થઈ જશે. વળી થોડે જતાં તેને શાંતિ મળી. તે ગર્વથી હસ્યો. આટલું બધું ધન છે પછી હું તને લઈશ તો મોજમજા ક્યારે કરીશ ! એવું જ સંતોષનું પણ થયું. તેણે કહ્યું તું હશે તો હું વધુ ધન મેળવવાના પ્રયત્નો અને મહત્ત્વાકાંક્ષા છોડી દઈશ જે મને પોસાય નહીં. તું મારા માટે તદ્દન નકામો છે. સ્વાસ્થ્ય પણ જોતું રહી ગયું અને માણસ આગળ વધતો ગયો. પૈસાથી બધું જ ખરીદી લેવાના ગુમાનમાં તે રાચતો રહ્યો.

છેલ્લે તેને કીર્તિ મળી. તેણે ઝટ લઈને ઉપાડી લીધી. લોકો મારી ધનવાન અને સફળ માણસ તરીકે વાહવાહ કરે તો જીવન ધન્ય બની જાય. બે વરદાન પૂરા થતાં ઘર પણ આવી ગયું પછી તો એ માણસ વગર મહેનતે મળેલા ધનના મદમાં એટલો બેફામ બની ગયો કે, સારાં-નરસાંનો વિવેક ભૂલી બેઠો. કુટેવો અપનાવી બેઠો.

હૈયે પ્રેમનો વાસ નહોતો તેથી મિત્રો, સ્વજનો તેનાથી નારાજ રહેવા લાગ્યા. સંતોષની ગેરહાજરી હોઈને તે વધારે ને વધારે ધન મેળવવાની લાલસામાં દોડવા લાગ્યો એથી જે હતું તેનો પણ આનંદ ના માણી શક્યો. સ્વાસ્થ્ય પણ નારાજ થઈ સાથ છોડી દેવા લાગ્યું એટલે નાની-મોટી બીમારીથી તે ઘેરાઈ ગયો. મનની શાંતિ પણ તેનાથી નારાજ હતી એથી તે સતત ગુસ્સો, ચિંતા, તકરારનો શિકાર બનતો ગયો. સૌએ મળીને તેનું ધન પડાવી લીધું અને તેના જ નામના ઓઠા હેઠળ બધાં ખોટાં કામો પણ કરવા લાગ્યા. પરિણામે મેળવેલી કીર્તિ પણ ખરડાઈ ગઈ. છેલ્લે માનસિક સંતુલન ખોઈને તે કકળી-કકળીને અંતે પાગલ બની ગયો.

આવા અશાંત આત્માઓથી આજે દુનિયા ઊભરાય છે.

પહેલાંના વખતમાં લોકો સંસારથી કંટાળે ત્યારે કહેતાં, હવે તો હિમાલયમાં જઈએ ત્યારે જ શાંતિ મળશે. સંસારની આ થકવી દેતી દોડધામ, સંસારી મોહમાયા છોડી સંન્યાસ લઈ હિમાલયના કોઈ અજ્ઞાત સ્થળે વસીને શાંતિની શોધ કરીશું એવું કહેવાનો આશય રહેતો, પણ માની લો કે, તેવું કર્યા પછી વળી નવી સમસ્યાઓ, નવા જ પ્રશ્નો નહીં ઉદ્ભવે તેની શી ખાતરી ? કારણ કે માણસ જ્યાં જાય ત્યાં બીજું કોઈ ભલે ના હોય તેનો પડછાયો તો સાથે હોવાનો જ. આ પડછાયામાં તેનું મન, તેના વિચારો, જન્મોજન્મથી તેના આત્માને વિંટળાયેલા વિકારો, ઇચ્છાઓ અને સંસ્કારો હોય જે તેનો પીછો ના છોડે, પરિણામે તે ઠેરનો ઠેર જ રહે.

આજનો સિનારિયો જોઈએ તો વ્યથિત, હતાશ લોકો મનની શાંતિ સંસારમાં રહીને જ શોધવા મથે છે. તેમના લાભાર્થે આજે અનેક જાતનાં પુસ્તકો, પ્રવચનો, શિબિરો યોજાય છે. મન સ્વસ્થ બનાવે શાંતિ અપાવે તેવાં ગુરુઓ પણ હાજર છે.

સવાલ એ થાય કે, આ પુસ્તકો, પ્રવચનો કે શિબિરોમાંથી જે કંઈ ભાથું બંધાવાય છે તેને મનભેગું કરનારા કેટલાં ? કોઈ ખવડાવે તેમાં પેટ ભરાયાનો સંતોષ થાય ખરો ? ને થાય તો ટકે કેટલો ? વળી પાછી એ જ સમસ્યાઓ અને એ જ કંટાળો આપતી, નિચોવી નાખતી રોજિંદી ઘટમાળમાં પડે કે શાંતિ છૂ થઈ જાય, કેમ કે બધું જ જ્ઞાન ઉપરછલ્લું જ ગોઠવ્યું હોય તે જરાકમાં ખરી પડવાનું.

ત્રણ મુદ્દા થકી માણસ માનસિક શાંતિ ગુમાવતો હોય છે, સ્વભાવથી, સંજોગોથી અને સંબંધોથી.

આજનો માણસ મકાન બદલે છે, વસ્ત્રો બદલે છે, સંબંધો પણ બદલે છે છતાં પણ દુઃખી છે, અશાંત છે, કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો અને માણસની મોટાભાગની સમસ્યાઓ જ તેના સ્વભાવ થકી જ ઉદ્ભવતી હોય છે.

ઘણીવાર જીવનમાં ના ધારેલાં અણગમતાં સંજોગો ઊભા થતાં હોય છે, જેના પર આપણો કોઈ કાબૂ ના હોય. ક્યારેક આપણી ભૂલથી તો ક્યારેક બીજાઓ થકી એવું બની જાય છે જે સહનશક્તિ ખૂટાડી દે. ના બોલાય ના સહાય એવી સ્થિતિમાં પ્રતિક્રિયારૂપે અકળામણ અને ગુસ્સો થવાથી મન ડહોળાઈ જાય છે. આવા દરેક સંજોગો દરમિયાન શક્ય તેટલાં આવેગોને કાબૂમાં રખાય તો વાત વણસતી અટકે. મન શાંત રાખી વિચારવાથી વધુ સારાં પરિણામો મળશે તે યાદ રાખવું અને મનને વિચલિત કરી દે તેવા પ્રશ્નોનો જવાબ સમય પર છોડી દેવો, કેમ કે મન પરનો કાબૂ હશે તો સમય પણ તમને ઉકેલ શોધવામાં સહાય કરી શકશે.

સંબંધોની વાત કરીએ તો અહીં સંબંધો બગડવા કે કડવાશ પેદા થવા પાછળ માણસનો સ્વભાવ વધારે જવાબદાર બને છે. ક્યારેક સામેની વ્યક્તિનો તો ક્યારેક આપણો સ્વભાવ એવો આડો ઊતરે છે જેનાથી તકરાર ઊભી થાય.

રોજેરોજ કંઈ કેટલાંય લોકો સાથે વિચાર-વ્યવહાર થતો હોય છે તેમાં કોઈ અજાણ્યા હોય તો કોઈ પરિચિતો કે સ્વજનો હોય, તે દરેકના સ્વભાવમાં કંઈ ને કંઈ એવું તો હોય જ જે આપણને કઠે, કરડે કે ના ગમે. તેમની વાણી-વર્તન આપણને ગુસ્સો અપાવે, પણ છતાં તેમનો સામનો કરવો જ પડતો હોય છે. આવા સમયે આપણા સ્વભાવની અને ધીરજની કસોટી થઈ જાય છે. આપણે તેમને નથી અટકાવી શકતાં કે નથી તો સુધારવા ટકોર કરી શકતાં ત્યારે મન અકળાય છે, અશાંત થાય છે જેની અસર ખુદના જ વર્તન અને શરીર પર થવા લાગે છે. બીજાનું કંઈ બગડતું નથી.

આ સ્થિતિથી બચવાનો એક જ વિકલ્પ બચે છે. જે સંજોગો કે વ્યક્તિનો સ્વભાવ બદલી ના શકાય તેમ હોય તેને સ્વીકારીને ચાલવું. વળી સંજોગો તો હજુ પણ સમય જતાં બદલાશે, પણ કોઈનો સ્વભાવ બદલવો અશક્ય બનશે. તેના કરતાં આપણું મન વિચારો, દૃષ્ટિકોણો, સંજોગોને અનુકૂળ કરતાં જઈ આપણો સ્વભાવ જ કેમ ના બદલીએ ! બધું આપણને જ અનુકૂળ થાય તે રીતે બને તેવું શક્ય નથી અને બધા લોકો આપણા મનને સુખ થાય તેવું જ વર્તે તે પણ અશક્ય છે, પરિણામે જો કાંઈ બદલવું જ હોય તો તેની આપણા લાગણીતંત્રથી જ શરૂઆત કરવી.

ઝીણવટથી વિચારતાં યાદ આવશે કે, રોજેરોજ કેટલી બધી નાની-મોટી અને નગણ્ય જેવી બાબતો માટે આપણે વિચલિત થઈ જઈએ છીએ. ખાસ કારણ વગર કે જરૂર વગર ગુસ્સો કરીને ખેંચાઈએ છીએ. નાની નાની બાબતોમાં શાંતિ ખોઈ બેસીએ છીએ.

ડ્રાઈવર મોડો આવ્યો હોય, એપોઈન્ટમેન્ટ આપ્યા પછી પણ ડોક્ટર વેઈટ કરાવે, કોઈ બિલ ભરવાનું રહી ગયું હોય, કોઈ વાહન લાઈન તોડીને ઓવરટેક કરી જાય, કામવાળી કીધા વગર રજા પાડી દે, બાળકો કહ્યું હોય તેવું ના કરે, પાંચ-દસ મિનિટ મોડા હોઈએ તોય બોસ કે ઉપરી ઠપકો આપે, ગાડી જલદી સ્ટાર્ટ ના થાય... આવી આવી તો અગણિત બાબતો બનતી જ રહે અને આપણે ગુસ્સો, અકળામણ કે બૂમબરાડા પાડીને તેને મન પર ઝીલતાં જ રહીએ. હવે આવું ને આવું ચાલતું રહે તો રાત પડયે મનની કઢી વલોવાઈ જાય !

આપણી આસપાસના જીવનમાં આવું તો ઘણું બધું અનિચ્છાએ, અવ્યવસ્થિતપણે અને અણગમતી રીતે ચાલ્યાં જ કરવાનું. જે આપણા હાથમાં નથી તેના પર કાબૂ કરવો કેટલો યોગ્ય ? બધાં લોકો અને સંજોગો એક આપણા જ મૂડ અને મનને અનુલક્ષીને વર્તે તેવું માનવું બેકાર છે. એટલે જે બને છે તેને સાક્ષીભાવે જોતાં રહેવાનું શક્ય હોય તો બીજા વિકલ્પો શોધી લેવા પણ મનની શાંતિને ઇજા ના પહોંચાડવી. ઇજા શબ્દ એટલા માટે કે આમ વાતેવાતે વારંવાર વિચલિત થયા કરવાની ટેવ મનને પડતી જાય તો તે સ્વભાવમાંથી સહિષ્ણુતા, ધીરજ બંને ખોઈ બેસે. સ્વભાવ ચીઢિયો અને અકારો બની જાય અને ડહોળાયેલું મન જીવનનો સાચો આનંદ, નાની નાની વાતોથી મળતી ખુશીના અનુભવી શકે. અનુભવીઓ તેથી જ કહે છે કે, માથે બરફ રાખીને જીવો એટલે કે ગમે તે સંજોગોમાં દિમાગ ઠંડું રાખો.

મનની શાંતિ માટે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા પડે. જેમ કે પારકી ચિંતા ના કરવી, જગત કાજી ના બનવું, કોઈની ટીકામાં ના પડવું.

એક સ્ત્રીનો ફોન આવ્યો. તે ઝટ રસોડામાંથી બહાર આવી. નિરાંતે છાપું વાંચતા પતિને હલબલાવીને કહે, “જો હું કહેતી’તી ને કે પેલા નરેશભાઈની મીતાના લક્ષણો સારા નથી. તે ભાગી ગઈ. સાવ રખડું થઈ ગઈ હતી...” એ બોલતી જ રહી. ત્યાં રસોડામાંથી દૂધ ઊભરાવાનો અવાજ આવતાં દોડી. હવે પતિ મહાશય ગુસ્સે થયા. તારે શી પડી છે. છોને ભાગી ગઈ, તું તારું સંભાળને... એમની તકરાર વધતી ગઈ ત્યાં સાસુ આવ્યાં તે પણ વહુને સંભળાવવા લાગ્યા. ત્યારે પતિએ પત્નીનો પક્ષ લઈ માને વઢી નાખી.... આમ નાનકડી વાત કે જેનું તેમની જિંદગીમાં કોઈ મહત્ત્વ જ નહોતું તેણે ઘરનો માહોલ બગાડી નાખ્યો. સૌના મન નાહકના ઊંચા કરી મનદુઃખ ઊભું કરી નાખ્યું. ભોગવ્યું કોણે ? મીતાએ કે આ લોકોએ?

મનની શાંતિ જોઈતી હોય તો બોલવું ઓછું અને સાંભળવું વધારે. વધારે બોલવામાં ક્યારેક વગર વિચારેલું બોલાઈ જાય છે જે વાત બગાડે, કડવાશ ફેલાવે અને અંતે આપણા જ મનની શાંતિ છીનવી લે.

અન્ય મહત્ત્વનો મુદ્દો છે આપણું ધારેલું થાય તો જ સુખની અનુભૂતિ થાય ! એટલે કે કાયમ આપણું મનગમતું, આપણા જ પ્લાન મુજબ બન્યા કરે ? બલકે એવું ભાગ્યે જ થતું હોય છે. કોઈ જરાક જુદું વર્તે કે બોલે તો આપણે દુઃખી અને કોઈ ગમતું વર્તે તો આપણે સુખી ?શું આપણા સુખ-દુઃખ અને મનની શાંતિ બીજાઓના વર્તન પર જ અવલંબતી હોય છે ? જ્યાં સુધી જાતે ખુશ રહેવાની કળા સાધ્ય ના કરાય આપણને માનસિક શાંતિ મળે નહીં. આપણા મનના આપણે જ રાજા રહેવાનું. લગામ કોઈ બીજાના હાથમાં નહીં સોંપવાની.

વળી લોકોને સુધારવાનો કે સલાહ આપ્યા કરવાનો આપણે ઠેકો પણ નથી લીધો. આપણે આપણું સંભાળીને બેસી રહેવાનું, બીજાની પાછળ કે ફાલતુ બાબતોમાં સમય અને શક્તિ ના વેડફવા. બીજા આપણને સુધારવા મંડી પડશે તો શું ચલાવી લઈશું કે તેના કહેવા પ્રમાણે બદલાઈ જઈશું ખરા ? તો જગત આખાને બદલી આપણને અનુકૂળ બનાવવાની મથામણો કેમ કરવાની ?

માનસિક શાંતિ માટે ઉત્તમ વાંચન, સારા મિત્રો, સમજુ પાડોશીઓ, પ્રેમાળ સ્વજનો એ દરેક સહાયક પરિબળો છે. પોઝિટિવ વિચારધારા રાખી આસપાસના સૌની સાથે સાયુજ્ય સાધવાથી સૌના તરફથી પોઝિટિવ આંદોલનો મળશે જે શાંતિ આપશે. એ માટે સૌની સાથે સારો વ્યવહાર રાખવો, પોતાની તથા સૌની મર્યાદાઓ સમજી તેનો સ્વીકાર કરવો, મનને સ્થિર રાખવું, કોઈની લાગણી દુભાય તેવું ના વર્તો બલકે સારી વાતો વહેંચો તો આપોઆપ મન શાંતિ અનુભવશે. અને વણજોઈતી બાબતો આપણને વ્યથિત નહીં કરી શકે.

મનની શાંતિ ક્યાંય બહાર શોધવા જવાથી નહીં મળે. તમે કોઈ જ્ઞાની વ્યક્તિનું પ્રવચન સાંભળવા બેઠા હશો ખૂબ પ્રભાવિત કરી દેતી અધ્યાત્મની વાણી તમારા કાન સાંભળતાં હશે, પણ મન કોઈ દૂર ઘટેલી ઘટના પર ચોંટેલું હશે તો કંઈ પલ્લે નહીં પડે. બધું બોલાયેલું વ્યર્થ જશે. એટલે જ જે કંઈ કરવાનું છે તે મનથી જ શરૂ થાય છે. મન-હૈયું અને બુદ્ધિ ત્રણેય એક થઈને ફક્ત એક જ મુદ્દા પર કામ કરશે તો જ મનને સાચી શાંતિ મળશે.

No comments: